મમરાભાઈ
મમરાભાઈ લંચબોક્સમાં કરતાં કૂદાકૂદ
લંચબોક્સ ખોલું તો પ્લેન બનીને ઊડાઊડ…
લાડુ બની જાય ત્યારે લાગે મીઠામીઠા
સેવ પ્લેટની સાથે પાછા થાય તીખા તીખા
બધાય એને ખાતાવેંત આપે વેરીગુડ
લંચબોક્સ ખોલું તો પ્લેન બનીને ઊડાઊડ…
કીડીબેન હરખે હરખે દરમાં તાણી જાતા
આ પપ્પુભાઈ ભેળપુરીમાં મીકસ કરીને ખાતા
સૌની સાથે હરતા ફરતા રાખે હળવો લુક
લંચબોક્સ ખોલું તો પ્લેન બનીને ઊડાઊડ…
~ કિરીટ ગોસ્વામી
સારા બાળગીતોની આજે ખૂબ જરૂર છે. અંગ્રેજી માધ્યમનો કકળાટ સાચો હોય તોય એ કરવાનો ખાસ અર્થ નથી. ગુજરાતીમાં સરસ બાળસાહિત્ય સર્જાય અને બાળકોને એ ગમે તો આપોઆપ ગુજરાતીનો વ્યાપ વધે. બાળગીતોમાં રોજિંદા જીવનની વાત કેવી સરસ રીતે વણાઈ ગઈ છે!
