દક્ષા વ્યાસ ~ એમણે ખાખી વર્દીવાળાઓએ

🥀🥀   

એમણે
ખાખી વર્દીવાળાઓએ
પકડી લીધો હતો
બંધ કર્યો’તો કોઇ કમરામાં.

કાકાભાઇ સાથે આવ્યો’તો દેશથી
લાગ્યો’તો સાડી-કટાઇના કામમાં.
વિચાર્યું’તું
લઈ જઈશ સાડી સરસ મઝાની
માને માટે.

સમજાતું નથી
કામ કરવામાં ખોટું શું છે ?
સૌ કામ તો કરે છે !

બાપા લારી ખેંચે છે
મા વાસણ ચમકાવે છે
ભોલો ચાની લારી પર.
કામ કરશું નહીં તો ખાશું શું ?

માએ કહ્યું’તું
’મહેનતની રોટી ખાજે બેટા !’
મહેનત તો કરતો’તો
એમાં ખોટું શું કર્યું ?

માની વાત
કદી ખોટી હોઈ શકે ખરી ?

~ દક્ષા વ્યાસ (પગલાં જળનાં)

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 149 > 12 ઑગસ્ટ 2014 * લતા હિરાણી

એક અબુધ અભણ બાળમજૂરની વ્યથા. એનો ગુનો એ છે કે એ ગરીબ છે. એનો ગુનો એ છે કે એ મહેનતમજૂરી કરીને રળે છે, એ પેટ ભરવા માટે કામ કરે છે. એની મજબુરી એ છે કે એને માટે કામ કરવાનો કોઇ વિકલ્પ નથી.

એ બાળક સવારે ઊઠે છે ને લુસલુસ ખાઇને કે કદાચ બે ઘુંટડા ચાના પેટમાં રેડીને કામે ચડે છે. દિવસ ગમે એટલો ચડે, સૂર્ય ધોમ ધખે પણ એને પોતાના મશીન કે સફાઇ કે ઘરકામ કે ચાની લારી પર કીટલી લઇને દોડાદોડ કરવામાંથી ખસવાનું નથી. એને ઉંમર સાથે કંઇ લેવાદેવા નથી. એના હાથપગ કામ કરવા જેટલા સક્ષમ છે કે નહીં એટલું જ પૂરતું છે. એણે ભલે કોઇનો ઉતરેલો ફાટેલો યુનિફોર્મ પહેરી લીધો હોય, એને પાટીપેન કે નોટબુક સાથે કંઇ લેવાદેવા નથી. એની પાસે વાણી છે, શબ્દો છે પણ ગાળ વગરની વાત એને માટે સદવર્તન છે.

કેટલું કહી શકાય બાળમજૂર માટે ! લખાતા શબ્દોમાંયે ઝાળ ઊઠી શકે.. પણ એ નપુંસક રહેવાની એમાં કોઇ શંકા નથી.

કવયિત્રી દક્ષા વ્યાસની આ કવિતા વાંચીને કોઇ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય જરૂર કકળે પણ એથી શું ? આપણે સૌ જાણીએ છીએ કે બાળમજૂરી પ્રતિબંધક ધારો સરકારે ઘડ્યો છે. કોઇ બાળક મજૂરી કરતો મળે તો એ ગુનો ગણી એને પૂરવામાં આવે. એનાથી બાળકનું શું ભલું થયું ? મજૂરી કરવી કોઇ બાળકનું સ્વપ્ન ન હોઈ શકે. બાળકને તો રમવું હોય છે. એને મસ્તી કરવી હોય છે, મજા કરવી હોય છે પણ જેના ભાગ્યમાં આ નથી લખાયું, જેને પેટ માટે વેઠ કરવી ફરજીયાત છે એનું શું ? એને કોઇ સુખનો રોટલો આપશે ? જે માબાપ પોતાના સંતાનને ભણાવી નથી શકતા. કુટુંબનું પેટ ભરવા માટે પડતા ખાડાને પૂરવા એમણે ફરજિયાત પોતાના સંતાનને નિશાળે મૂકવાને બદલે કામે લગાડવું પડે છે એમને સરકાર આવા કાયદા સિવાય બીજું કંઇ આપી શકે ખરી ?

સવાલ આઘાતભર્યું મૌન આપે અને જવાબ શૂન્યબાળક આવા કાયદા વિશે કંઇ જાણતો નથી. એ તો માએ કહ્યું એ પ્રમાણે કામ કરે છે, બાપે જ્યાં લગાડ્યો ત્યાં નોકરી કરે છે. અને મા કદી ખોટું ન કહે. માની વાત સોળ આના સાચી છે, અપ્રમાણિક થઇશ નહીં. ખોટું કામ કરીશ નહીં, બેટા મહેનતની રોટી ખાજે ! કેટલી સાચી વાત છે. કોઇપણ મા પોતાના બાળકને આથી વધુ સારી શીખ કઇ આપી શકે. પોતે ભલે લાખ અભાવો અને પાર વગરની મુસીબતો વચ્ચે ઝઝુમે છે પણ તોય આ અભણ દુખિયારી માએ પોતાના સંતાનને સોનાની શીખ આપી છે અને ભોળા બાળકે માતાની વાત માની છે, એનો અમલ કર્યો છે. તેમ છતાં એને પોલિસ પકડી ગઇ. એને પોતાનો વાંકગુનો ક્યાંથી સમજાય ? પોતાની માની વાત પરની શ્રદ્ધા એને મૂંઝવણમાં મૂકી દે છે અને આ જ છે આપણા સમાજની વરવી વાસ્તવિકતા અને કરુણ પરિસ્થિતિકવયિત્રીએ તો સમાજ સામે એક મહાપ્રશ્ન મૂકી દીધો છે.. કોઇ જાગે અને જવાબ શોધે, ઉપાય માટે કંઇક કદમ ઉઠાવે !!

5 thoughts on “દક્ષા વ્યાસ ~ એમણે ખાખી વર્દીવાળાઓએ”

  1. સાચી વાત છે, ગરીબ બાળકોને પેટ ભરવા અને કુટુંબ ને મદદરૂપ થવા ન છૂટકે અને કમને પણ કામ કરવું પડે છે. બાળકોને પકડી કે એને નોકરી રાખનારને દંડ કરવાથી કંઈ ના વળે. એ જ રીતે ભીખ માંગતા બાળકોનું પણ કહેવાય. કવિઓ સંવેદનશીલ હોવાના જ. કવયિત્રી દક્ષા જી ની રચના વેદના અસર કરે છે.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    દરેક સામાજિક સમસ્યાની એક બીજી બાજુ પણ હોય છે પણ કાયદો બનાવનાર જડતંત્ર અને તેનો અમલ કરાવનાર કારોબાર અને સજા કરનાર ન્યાયતંત્ર તો શબ્દ પકડીને ચાલનાર યંત્ર જેવા છે. એક કવિ પાસે જે સંવેદનશીલ મન છે તે રાજ્યતંત્ર પાસે કયાં છે? ઉત્તમ કાવ્ય અને શ્રેષ્ઠ આસ્વાદલેખ.
    બંનેને ખૂબ ખૂબ અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *