🥀🥀
હમણાં જ ડેલીની
સાંકળ ખખડશે ની-
આશામાં
ઓસરી બિચારી
રાત આખી
ઢોલિયે પડખાં
ફેરવતી રહી !!…….
~ પ્રીતમ લખલાણી
દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 150 @ 19 ઑગસ્ટ 2014 * લતા હિરાણી
આ લઘુકાવ્યમાં કવિએ બિંદુમાં સિંધુ સમાવવાનું કામ કર્યું છે. પૂરા ગદ્યકાવ્યમાં પ્રતીક્ષા ખુબ કરુણાથી ઘુંટાઈ છે, કલાત્મક રીતે રજૂ થઇ છે. અહીં ઓસરી એ સ્ત્રીનું પ્રતિક છે. પ્રતિક્ષારત સ્ત્રી વિશે તો વિશ્વસાહિત્યમાં પુષ્કળ લખાઈ ચૂક્યું છે. રામાયણની ઉર્મિલા હોય કે મહાભારતની રાધા, દરેક રુપમાં સ્ત્રીએ હંમેશા રાહ જ જોઈ છે, જાણે પ્રતીક્ષા એ સ્ત્રીનું અવિભાજ્ય અંગ છે.
નાયિકા પોતાના વ્હાલમની રાહ જુએ છે. એની રાહમાં એ અંદર ઓરડામાં પણ સૂતી નથી. બહાર ઓસરીમાં ખાટલો ઢાળી આડી પડે છે. જીવ ડેલીની સાંકળમાં છે. જેવી સાંકળ ખખડે ને દોડીને ડેલી ખોલું ! વ્હાલમને ઘરમાં પ્રવેશવામાં ઘડીનોય વિલંબ ન થાય. ઇંતજારમાં એ ઊંઘી શકતી નથી. નાયિકા ઢોલિયામાં પડખાં ફેરવે છે અને નાયકની વાટ જુએ છે.
ઓસરી આશાનું પ્રતીક છે. પ્રતીક્ષાનું પ્રતીક છે. અહીં આ કાવ્યમાં પૂરો નાયિકાનો સંદર્ભ છે અને એટલે જ ઓસરીનું પ્રતીક ખૂબ સૂઝપૂર્વક પ્રયોજાયું છે. ઓસરી એટલે જ પ્રતીક્ષા અને આવકાર. એ સદાય આંખો બિછાવી સૌની વાટ જુએ છે અને જેવી ડેલી ખખડે કે જાણે બે હાથ લંબાવીને ખુદ ઓસરી દોડીને પોતાનાંને આવકારે છે. ઓસરીમાં ઢાળેલો ખાટલો કે ઝૂલતી હિંચકાખાટ સૌને હૈયે ચાંપે છે. આવનાર વ્યક્તિ ઓરડામાં જશે પણ ઘડીભર ઓસરીમાં વિસામો લઇને પછી જ. ઓસરી હંમેશા બધાંની વાટ જુએ છે. ઓસરી ઘરની આંખ છે જે હંમેશા ખુલ્લી રહે છે. એ કદી મટકુંય નથી મારતી. રાહ જોવી એ કુટુંબમાં સ્ત્રીના ભાગે મોટામાં મોટું કામ છે. બીજાં કામો તો આટોપી લઇ શકાય પણ રાહ જોવાનું કામ અનંત છે. એનો ક્યારેય અંત નથી. એક પછી એક ઘરના કામો પતાવતાં જવા અને સાથે સાથે સૌની રાહ જોયા કરવી એ સ્ત્રીની દિનચર્યા છે એટલે જ ઓસરીનું રૂપક અહીં અત્યંત સફળ રહ્યું છે.
અહીં કવિને નાયિકાની પ્રતીક્ષા અભિપ્રેત છે એટલે ઓસરીમાં ઢાળેલ ઢોલિયા પર એને રાત આખી પડખાં ફેરવતી દર્શાવી છે. એની આ સ્થિતિમાં કોઇ ફેરફાર થતો નથી. પુરુષે હંમેશા એને ઉવેખી છે. એની સેવાની, એની ધીરજની ક્યારેય કદર કરી નથી. જાત ઘસી નાખવા છતાં એ હંમેશા બિચારી જ રહી છે. એ રીતે પણ ઓસરીનું પ્રતીક ઉપકારક છે કેમ કે ઘરમાં કોઇ પણ ફેરફાર થાય, ઓસરીની સ્થિતીમાં કોઈ ફરક પડતો નથી. એ તો એની એ જ. એ રાત આખી ડેલીએ કાન માંડીને ઢોલિયામાં પડખાં ફેરવતી રહે છે અને સાંકળ ખખડતી જ નથી. કોઇનો સ્થૂળ પ્રવેશ ભલે થાય પણ એના મનને સ્પર્શી જાય એવો સહવાસ એને કદી સાંપડતો નથી. એની ધીરજની કદર કદી થતી નથી. એ રીતે એના મનની સાંકળ હંમેશા વસાયેલી જ રહે છે. કોઇ આવીને ખખડાવે, કોઇ એને ખોલવા સુધી લઇ જાય એ એનું સપનું જ રહે છે. કોઇનો સ્નેહસ્પર્શ એની કિસ્મતમાં નથી..
આ સરસ મજાના ગદ્યકાવ્યમાં કવિએ બહુ મીઠાં કાઠિયાવાડી શબ્દપ્રયોગો પ્રયોજ્યા છે. ડેલી, ઓસરી, ઢોલિયો વગેરે. હવે આજની શહેરમાં વસતી પ્રજાને એ સમજવા કદાચ અઘરા પડે. ડેલી એટલે ઘરનો બહારનો મુખ્ય દરવાજો. ફળિયું એટલે ડેલીની અંદર આવ્યા પછીનો ઓસરીમાં પ્રવેશતા પહેલાં ખુલ્લા આકાશ નીચેનો ખુલ્લો ભાગ. ઓસરી એટલે બધા ઓરડાને સાંકળતો આગળનો લાંબો છાપરે ઢંકાયેલો ભાગ. આ શબ્દોથી કાવ્યમાં સૌરાષ્ટ્રનું ગ્રામ્ય વાતાવરણ રચાય છે. ખૂબ ઓછા શબ્દોમાં, પ્રતીકોમાં કવિ ભાવકના હૃદય સુધી પહોંચી શક્યા છે. ડેલીની સાંકળ ખખડવાની રાહ જોતી પ્રતીક્ષારત સ્ત્રીનું – નાયિકાની મન:સ્થિતિનું કવિ સરસ મજાનું ચિત્રણ કરી શક્યા છે.
કવિતા એકવાર કવિના હાથમાંથી ભાવક સુધી પહોંચે પછી એ કવિની નથી રહેતી. બની શકે કે એમાં પ્રયોજાયેલા શબ્દો પાછળ કવિની સંકલ્પના કંઇક જુદી હોય. કવિને કંઇક જુદું અભિપ્રેત હોય પણ એ શબ્દો ભાવકના મનમાં કેવા સ્પંદનો જગાવે છે, કેવી સૃષ્ટિ ખડી કરે છે, પરિણામ એના ઉપર નિર્ભર છે. એટલે એ કદાચ દરેક ભાવકે બદલાઇ પણ શકે !! દરેક શબ્દની, શબ્દપ્રયોગોની આગવી દુનિયા હોય છે. એના સંદર્ભો ભાવકની પોતાની સૃષ્ટિ સાથે સંકળાય છે અને એમાંથી નિપજે છે એનો અર્થ. એટલે કવિતા રચાયા પછી એ સુવાંગ ભાવકની બની જાય છે. કવિએ માત્ર દૃષ્ટા બનવાનું રહે છે.
આ કવિનું બીજુ એક લઘુકાવ્ય પણ મજાનું છે.
ભારી ખુલતાં જ
ટુંટિયું વાળીને પડેલ
ખેતર
રાતડીને ખીલે
મહેંકી ઊઠ્યું !

થોડા શબ્દોમાં ભાવ, અર્થને સમાવી દેવો એવું ખૂબ સરસ કામ કર્યું છે. આપનો આસ્વાદ વિસ્તાર ખૂબ જ સરસ.
આભાર મેવાડાજી
સરસ લઘુકાવ્ય
ખૂબ સુંદર કાવ્ય.
ગાગરમાં સાગર