પ્રવીણ ગઢવી ~ શસ્ત્ર સન્યાસ * આ. ઉદયન ઠક્કર

🥀🥀  

*શસ્ત્ર સંન્યાસ*

ચાલો, આપણે શસ્ત્રો હેઠાં મૂકીએ
અને ગોળમેજી પરિષદ ભરીએ.
અમારે કોઈ દેશ નથી, વેશ નથી,
ખેડવા ખેતર નથી, રહેવા ખોરડું નથી.

આર્યાવર્તના કાલથી તે આજ સુધી તમે
ઘાસનું તણખલું અમારે માટે રહેવા દીધું નથી.
ચાલો, અમે તે બધું ભૂલી જંઈ.

તમે ગામમાં ચણેલી દીવાલો તોડી નાખવા તૈયાર છો?
અમે દૂધમાં સાકરની જેમ ભળી જવા તૈયાર છીએ.

તમારી દ્રોપદી જો સ્વયંવરમાં અમારા ગલિયાને વરમાળા પહેરાવે તે સહી શકશો?
અને અમારી રૈલી જો ચિત્રાંગદાની જેમ નવવેશે આવે તો
તમારો અર્જુન એને સ્વીકારશે?

ચાલો, આપણે મરેલા ઢોર ખેંચવા વારા કાઢીએ, રાજી છો?
ચાલો, અમે તમારું એંઠું ખાવા રાજી,
તમે અમારાં ઘેર વિવા હોય ત્યારે એંઠું ખાવા આવશો?

ચાલો બંધારણમાંથી રિઝર્વેશનની કલમો ભૂંસી નાખીએ,
અમારાં મગનિયા, છગનિયા ઓપન કોમ્પીટ કરશે,
પણ તેમને કોન્વેન્ટ સ્કૂલોમાં દાખલ થવા દેશો?

ચાલો, શેડ્યુલનાં પાનાં ફાડી નાખીએ
પણ અમને હવે ત્રિવેદી, પટેલ થવા દેશો?

ચાલો આપણે શસ્ત્રો હેઠાં મૂકીએ
અને દેશની રસાળ ભૂમિને સાથે મળીને ખેડીએ,
પણ અમને ખળાનો અર્ધો ભાગ આપશો ?

~ પ્રવીણ ગઢવી (13.5.1951 – 20.5.2025)

શ્રી પ્રવીણ ગઢવીનું અવસાન થયું છે, અંજલિરૂપે તેમના કાવ્યનો આસ્વાદ – ઉદયન ઠક્કર

આ દલિત માણસની ઉક્તિ છે. સવર્ણો અને દલિતો વચ્ચેનો મતભેદ દાયકાઓથી કે સદીઓથી નહિ પણ સહસ્રાબ્દિઓથી ચાલતો આવ્યો છે. કાવ્યનાયક કહે છે, ‘ચાલો ઝઘડવું બંધ કરીએ અને વાટાઘાટો શરૂ કરીએ.

દલિતોને લાગે છે કે તેઓ પોતાના જ દેશમાં પરદેશી છે. આર્યાવર્તના કાળથી આ ચાલ્યું આવે છે. રામાયણમાં કથા છે કે શંબુક શૂદ્ર હોવા છતાં તપ કરતો હતો, માટે રામે તેનો વધ કર્યો! કેટલાંક માને છે કે આ કથા ક્ષેપક છે, અર્થાત્ પાછળથી અન્ય કોઈએ તેનું ઉમેરણ કરી દીધું છે. તુલસીદાસજીએ તો આવી ચોપાઈ કહી છે:

ઢોલ, ગંવાર, શૂદ્ર, પશુ, નારી, સકલ તાડના કે અધિકારી

-અર્થાત્ આ પાંચે માર ખાવાને કે દંડાવાને પાત્ર છે. (કેટલાંક તાડનાનો અર્થ સમજવુંકે પારખવુંએવો કરે છે. ) એટલું તો ખરું, કે વર્ણદ્વેષને લીધે દલિતોને સદીઓ સુધી અધ્યયન અને કારકિર્દીની તકોથી વંચિત રખાયા. સવર્ણોએ મહદંશે તેમની સાથે રોટી-બેટીનો વ્યવહાર ન રાખ્યો.

કાવ્યનાયક કહે છે, અમે એ બધું ભૂલી જઈએ, તમે ગામમાં અમને મુક્ત હરફર કરવા દેશો? ગામમાં વર્ણ પ્રમાણે બ્રાહ્મણવાડ, વાણિયાવાડ વગેરે વિસ્તારો હોય છે.

આ તો સૂતપુત્ર છે,’ એવો વાંધો કાઢીને કર્ણને દ્રૌપદી-સ્વયંવરમાં અપમાનિત કરાયો હતો. ઉમાશંકર જોશીએ કર્ણના મુખમાં આ શબ્દો મૂક્યા છે:

સ્વયંવરે જીવનસુંદરીના
જોવાય ના જન્મ,પરંતુ પૌરુષ
એ સ્થાપવા જીવું છું, ને મરીશ

આ ઘટના આજે પણ બને છે. દ્રૌપદીની ઇચ્છા હોય તોય આજનો સમાજ તેને દલિત સાથે પરણતાં રોકશે. ટાગોરે ચિત્રાંગદાનાટક રચ્યું છે. મણિપુરની રાજકન્યા ચિત્રાંગદા અર્જુનના પ્રેમમાં પડી, પણ અર્જુને તેનો અસ્વીકાર કર્યો. તપ કરીને કુંવરીએ એક વર્ષ માટે ઉત્તમ રૂપનું વરદાન મેળવ્યું, પછી અર્જુન ઊંધે માથે તેના પ્રેમમાં પડ્યો. એક વર્ષમાં અર્જુનને ચિત્રાંગદાના વીરતાના ગુણની જાણ થઈ માટે તે મૂળ સ્વરૂપમાં આવી ત્યારે પણ તેને સ્વીકારી. કાવ્યનાયક પૂછે છે કે અમારી છોકરીની જાતિ જ્યારે તમારો અર્જુન જાણી જશે, ત્યારે તેને સ્વીકારી શકશે ખરો? દ્રૌપદી અને ચિત્રાંગદાના ઉલ્લેખોને લીધે આ રચનાને પૌરાણિક ઉંડાણ પ્રાપ્ત થાય છે.

બંધારણ, રિઝર્વેશન, શેડ્યુલ, કોન્વેન્ટ સ્કૂલ વગેરે મુદ્દા ચર્ચાસભામાં શોભે પણ કાવ્યસભામાં નહિ. તર્કથી તમારી વાત સાચી સાબિત થઈ શકે પણ કાવ્ય સાચું સાબિત ન થાય. કવિતા સીધાસટ વિધાનોથી નહિ પણ વક્ર વાણીથી સર્જાતી હોય છે. પ્રવીણ ગઢવીનો અભિગમ છતો કરવા માટે તેમના કાવ્યસંગ્રહનું શીર્ષક જ પૂરતું છે- બેયોનેટ.

કાવ્યનાયક શસ્ત્ર ઓગાળીને તેનું હળ કરવા તૈયાર છે પરંતુ ઉપજતી ફસલમાં પોતાનો ન્યાયી ભાગ માગે છે.

આ કૃતિ આત્મચિંતનનું ઉદ્દીપન કરે તેવી છે.

~ ઉદયન ઠક્કર

4 thoughts on “પ્રવીણ ગઢવી ~ શસ્ત્ર સન્યાસ * આ. ઉદયન ઠક્કર”

  1. Kirtichandra Shah

    ઑહ કવિતા ધારદાર અને ઉદયન ઠક્કર! શું કહેવું !

  2. શ્રી ગઢવી સાહેબના આત્માની શાંતિ માટે પ્રાર્થના.

  3. ૐ શાંતિ, પ્રભુ એમના આત્માને શાંતિ બક્ષે.
    અમારી જાતની ભીતર કશું,
    યુગોથી રક્ત નિગળતું રહે. – ‘સાજ’ મેવાડા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *