નવરાતરી આવી છ
બાપુ ક્યે : ભગલા,
રામગર બાવો તો આરડે છ્
ગરબી તો અમે ગવરાવતા.
ઈ યે એવી કે
જોગણિયું વાદાકોદ કરે : હું રમું ને તું નહીં; હું રમું ને તું નહીં.
ભગલે ઈ વાતનો ઢંઢેરો પીટયો
એટલે જુવાનિયાઉંએ હઠ લીધી :
બાપુ ગરબી ગવરાવે તો હા, નીકર ના.
આવા માતાજીના કામમાં બાપુથી ના નો પડાણી;
કયે : *ભલે ત્યારે, ગવરાવશું, એક એકનું માથું ભાંગે એવી ગરબી.’
હડૂડૂડૂ કરતા સૌ થ્યાં ભેળાં.
રોશનિયું-બોશનિયું થઈ ગઈ છ્. હૈયેહૈયું દળાય છ્.
જુવાનિયા અમથાઅમથા ડાંડિયા ઉલાળે છ્.
સૌના પગમાં હરખ આંટો વાઢી ગ્યો છ્.
વ્રેમાંડ લગી ઉતાવળ્યું આંબી ગૈ છ્.
ઓહોહો, બાપ આજ તો ધણી ગરબી ગવારે છ્ !
બાપુ મૂછ ઝાટકી ખોંખારો ખાઈ ઉપાડે દ્ ગરબી ‘હાં રે અમે ગ્યા તા…..‘
ને શિવો ગોર ઓટલેથી બરાડયો :
‘એલા, આ અહૂરું ઘંટી કોણ ફેરવે છ્?’
કીકિયારામાં કોઈને સંભળાણું નહીં :
ભગલો ક્યે :
‘કોઈ સાંભળતું નથી, બાપુ, સાવઝ જેવો અસલી અવાજ કાઢોને !-
‘લે, ત્યારે,’-એમ બોલી
બાપુએ મ્યાનમાંથી તલવાર્ય કાઢતા હોય એમ
ગળામાંથી આંતરડાતોડ હાંક કાઢી :
‘હાં રે અમે ગ્યા ‘તા….’
-ને સ૨૨૨ કરતું કાં’ક ફાટયું
એકબે ધાવણાં બી ગ્યાં.
બાયું ભેરાંટી રહી.
જુવાનિયા ડાંડિયા ફેંકીને દોડયા: ‘શું થિયું, શું થિયું ?,
ભગલો કયે :
‘થાય શું ? ઈ તો બાપુએ ગરબી ગવરાવી,’
‘કઈ ?-જુવાનિયા આઘાબાધા થઈ ગ્યા.
‘હાં રે અમે ગ્યા’તા…ઈ ગરબી ગવરાવી’
ભગલાએ ફોડ પાડયો
ને બાપુને પોરસાવ્યા : ‘થાવા દ્યો બાપ, થાવા ધો’
બાપુએ છાતી ફૂલાવી પોઝીશન લીધી, એક હાથ લાંબો કર્યો.
બીજા હાથને કાન પર મૂક્યો.
પછી હોઠ હલ્યા.
જડબાં ઊઘડયાં.
છાતી ઊંચીનીચી થઈ.
આંખ્યું તગતગી.
મૂછો થથરી.
પરસેવા હાલ્યા.
ત્યારે ઊંદરડી મૂતરે એટલોક અવાજ નીસર્યો :
‘હાં રે અમે ગ્યા’તા…’
ભગલો બોલ્યો :
‘અરેરે, તમારો અવાજ તો સાવ બેસી ગ્યો, બાપુ…..
બાપુ મૂછે તાવ દઈને બોલ્યા :
‘બેસે જ ને ?
એક હાંકે દુશ્મનની છાતીયું બેસાડી દઈએ તો અવાજ તે શી વિસાતમાં ?’
બાપુ દર નવરાતરીએ ભગલાને અચૂક પૂછે :
*ભગલા, સાંભરે છ્ કે ભૂલી ગ્યો ?
રામગર બાવો તો હાળો, આરડે છ્…..
ઓલી આપણે ગવરાવી’તી એવી ગરબી હવે થાવી છ્ ?’
~ રમેશ પારેખ (27.11.1940 – 17.5.2006)
૨૩-૧૨-૮૨/ગુરુ
સાંભળો કવિના અવાજમાં આ બાપુ કાવ્ય

વાહ, અદ્ભૂત કાવ્ય અને ર..પા. નું પઠન. વંદન.
Vaaah…. 🙏🙏🙏
જમાવટ