ભૂપેશ અધ્વર્યુ ~ દ્વારકાના મ્હેલ મહીં
🥀🥀
દ્વારકાના મ્હેલ મહીં જાદવરાય,
દર્પણમાં દેખતાં કાનજી થાય.
રંગમ્હેલ ટોચ પે બેસીને મોરલો,
નાનું શું મોરપિચ્છ ખેરવી જાય.
હૈયામાં સરવાણી ફૂટી
ને ઊમટ્યાં, જમનાનાં ખળભળતાં પૂર;
કાંઠે કદંબડાળ ઊગી,
ને ગાયોએ ઘેર્યો હાં, બંસીનો સૂર.
ઝરૂખે ઝૂકીને જુએ આભલાની કોર ભણી,
ક્યાંક, અરે, ક્યાંક પેલું ગોકુળ દેખાય ?
મટુકી ફૂટીને બધે માખણ વેરાય.
દર્પણની બ્હાર જદુરાય,
ને દર્પણમાં, છેલ ને છકેલ પેલો કાનજી.
બ્હારની રુક્મિણી મોહે
ને દર્પણની, અચકાતી દેખી ગોવાળજી.
હોઠની વચાળે હાં, બંસીનું મુખ મૂકી,
રોતી રાધિકાનું મુખડું દેખાય.
રાસ રમે વનરાની કુંજ, ને વચાળે હાં
નાથ રે દુવારકાનો એવો ઘેરાય.
~ ભૂપેશ અધ્વર્યું (5.5.1950 – 21.5.1982)
જોકે, હું હવે ગાઈ શક્તો નથી, પણ આ ગીત મારી પસંદગીનું છે, અને હાર્મોનિયમ પર વગાડી સ્વરબદ્ધ પણ કરેલું છે.
અરે વાહ, ક્યારેક સાંભળીશું…
રાસ રમે વનરા ની કુંજ