ઉષા ઉપાધ્યાય ~ મારી નજરુંના નાજુક આ પંખી

🥀🥀
મારી નજરુંનાં નાજુક આ પંખીના સમ
એનું આખ્ખું આકાશ તારી આંખમાં
અમથાં અબોલાંની ઉજ્જડ આ વેળામાં
પથ્થરિયા પોપટ શા રહીયે
થોડી વાતોનો ઢાળ તમે આપો તો સાજનજી
ખળખળતાં ઝરણાં શા વહીએ
ટોળાબંધ ઊડતાં આ સાંભરણના સમ
એનું આખ્ખું આકાશ તારી આંખમાં…
સાંજુકી વેળાનું ઝરમરતું અંધારું
મ્હેકે જ્યાં મોગરાની ઝૂલમાં
હળવે આવીને ત્યારે કહેતું આ કોણ
મને બાંધી લે અધરોનાં ફૂલમાં
ને પછી, પાંપણિયે ઝૂલતા આ સૂરજના સમ
એનું આખ્ખું આકાશ તારી આંખમાં –
ઉષા ઉપાધ્યાય દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 8 જુલાઇ 2014
કવયિત્રી ઉષા ઉપાધ્યાયના ઘણા લયકારી, મધુર ગીતોમાંનું આ ગીત એક કોડભરી પ્રેયસીના મુખે કહેવાયું છે. ગુજરાતી સાહિત્યમાં તો યૌવનના ઊંબરે, શમણાની બારસાખે ટેકો દઈ ઊભેલી અને હૈયાને વાસંતી વાયરા સાથે વહેતું મૂકી દેતી હરખુડી કોડીલી કન્યા વિશે ખુબ લખાયું છે. કવિ અદમ ટંકારવી કહે છે, ‘જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી, લીમડાની ડાળ મીઠી થઇ ગઇ….’ આ ગીતમાં પણ પ્રીતમાં પરોવાયેલી નાયિકાના મનોભાવ અને મનોસંચલનો બહુ જ સુંદર રીતે આવ્યા છે.
અહીં નાયિકા કહે છે, ‘મારી નજરુંના નાજુક પંખીના સમ, એનું આખ્ખું આકાશ તારી આંખમાં !’ ‘હું અને તું’ના ભેદ મિટાવી દે એ પ્રેમ. મારી આંખમાં તારું જ આકાશ છે એની ખાતરી આપવા નાયિકા પોતાની નજરુંના નાજુક પંખીના સોગંદ ખાય છે. સોગંદ ખાવાની, વાત કરવાની રીત કેવી નિરાળી અને મધુરી છે !! અબોલાની પળો બહુ લાંબી નથી. થોડી જ છે પણ એ સાવ ઉજ્જડ ભાસે એ સ્વાભાવિક છે. નાયિકાને પથ્થરીયા પોપટ બનવું જરાય પસંદ નથી. હૈયામાં ધોધમાર વાતો ભરી પડી છે, આકાશી ગીતોના ફુવારા ફૂટે છે એટલે જ કહે છે કે સાજનજી સહેજ વાતોનો ઢાળ આપો તો ખળખળતાં ઝરણાંની જેમ વહી પડીએ. સ્હેજ સાથ જોઇએ છે, હાથ જોઇએ છે, સંગાથ જોઇએ છે. આટલું મળે તો બધા બંધ દરવાજા ખૂલી જાય અને મન મોકળું વહી જાય….
સાથે વીતાવેલી કેટકેટલી મધુર પળોની સાંભરણ ટોળે વળી ને આકાશે છવાઇ ગઇ છે. સાથે વિતાવેલી પળ, દરેક સંભારણ, ટોળે વળીને આખ્ખું આકાશ ભરી દે છે. સાંજને ઝાલર ટાણે નાયિકાને અંધારા ઝરમરતા લાગે છે. પોતાની આંખમાં ભરેલું નાયકનું આકાશ અંધારાને ઝરમર વરસાવે છે ને આ વરસતું અંધારું નાયિકાના કેશમાં પરોવાયેલા મોગરાની ઝૂલમાં મહેકે છે. આવો રમણીય ને રોમેંટિક અંદાજ અધરોના ફૂલમાં પોતાને બાંધી લેવાના કહેણમાં પૂરો ખીલે છે. અને પાંપણિયે ઝૂલતા સૂરજની સાખે ફરી આખ્ખું આકાશ એની આંખોમાં આવી વસે છે.
પ્રેમનો પહેલો અનુબંધ આંખોમાં રચાય છે. આંખોની ભાષામાં જ સંદેશો મોકલાય છે ને સ્વીકારાય છે. ટોળાં હોય કે મેળા, આ વાત બીજા બધાને એકબાજુ સારવીને ચાર આંખો વચ્ચેનો સંવાદ રચાય છે પ્રેમીઓના હૈયામાં સોંસરવો ઊતરી જાય છે એટલે આ આખા ગીતમાં આંખને, નજરને માધ્યમ બનાવી છે. સમ ખવાયા છે તો નજરુંના નાજુક પંખીના, આંખના આકાશમાં ટોળાંબંધ ઊડતા સાંભરણના દૃશ્યોના ને પાંપણને દ્વાર ઝૂલતા સૂરજના !! પ્રેમમાં આંખો વિશે કેટલું કહેવાયું છે ! એક લોકગીતમાં કહ્યું છે, ‘ટાંકા લઇ તૂણી લ્યો મારા પડદા પાંપણના, જેથી અખંડ રહે મારા સપનાં સાજણનાં..’ તો શાયર અમૃત ઘાયલ કહે છે, ‘કસુમ્બલ આંખડીના આ કસબની વાત શી કરવી, કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી….’ ‘કાજળભર્યા નયનના કામણ મને ગમે છે, કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે…….’ અને કવિ ભાવેશ ભટ્ટ લખે છે, ‘આંખ તારી ઉપાડે, પછાડે મને, આમ તો કોઇનાથી ખસું પણ નહીં..’. યાદ આવે છે પેલું ફિલ્મી ગીત ? ‘તેરી આંખોસે સારા સંસાર મૈં દેખુંગી.. ઝિલમિલ સિતારોંકા આંગન હોગા, રિમઝિમ બરસતા સાવન હોગા…’
અહીં હાથમાં હાથ પકડીને એક નજરે જોવાનું ઇજન છે. નાયિકાને પોતાના પ્રેમી સિવાય કંઇ જોવું નથી. એની આંખે ને એની પાંખે જ વિહરવું છે. ‘આખું આકાશ તારી આંખમાં’ પંક્તિનું પુનરાવર્તન પ્રણયમાં બધા જ ભેદ મિટાવી દેવાની તત્પરતા, વ્યાકુળતા દર્શાવે છે. કુંવારી છોકરી મટીને નવયૌવના બનેલી સ્ત્રીના ઉર્મિભર્યો અંદાજ અહીં રજુ થયો છે.
લતાબેન, ઉષાબેનનું કાવ્ય તો ઉત્તમ જ હોય છે પણ તમે એને જે રીતે ઉઘાડ આપો છો. કાવ્ય એના તમામ પરિમાણથી જોઈને મૂકો છો એનાથી ખૂબ મજા પડે છે. અભિનંદન 💐💐💐
ખુબજ સરસ ગીત આપનો આસ્વાદ પણ એટલોજ ઉત્તમ અભિનંદન
વાહ, ખૂબ સરસ ગીત અને એટલો જ સરસ આસ્વાદીક વિસ્તાર.
રેખાબેનના શબ્દો ગમ્યા
સાચી વાત..કાવ્ય સાથે આસ્વાદ સરસ હોય છે. બંનેને અભિનંદન..
ગીત અને આસ્વાદલેખ બંને સરસ
બધા જ મિત્રોનો આભાર.