એષા દાદાવાળા ~ પૂછ્યું, કલમો પઢતા આવડે છે ?

🥀🥀

પૂછયું, કલમો પઢતા આવડે છે?

અઝાન બોલતા આવડે છે?

ને પછી પારકી બંદૂકોમાંથી ગોળીઓ વરસાવી

મોતે પ્રવાસીઓ પાસેથી જિંદગીનો

જઝિયા વેરો ઉઘરાવ્યો…..

હવે તો એક ધર્મ,

વીરધર્મ….

યુધ્ધ ધર્મ…..

નજર સામે હિંદુ પતિને મરતો જોનારી

સુહાગનનો ધર્મ….

આંખો સામે પિતા નામના આકાશને

લોહીલુહાણ થતા જોનારા પુત્રનો ધર્મ

સૈનિકનો ધર્મ,

નાગરિકનો ધર્મ,

મારો ધર્મ,

તમારો ધર્મ,

એક ધર્મ!

મંદિરનો ધર્મ,

મસ્જિદનો ધર્મ,

ગુરુદ્વારાનો ધર્મ,

ચર્ચનો ધર્મ,

એક ધર્મ,

વિક્રમ બત્રા, સોમનાથ શર્મા,

અબ્દુલ હમીદ, આલ્બર્ટ એક્કા,

અરદેશીર તારાપોર ને બાનાસિંઘ સરીખા

પરમવીરોનો ધર્મ,

દેશનો ધર્મ,

યુધ્ધ ધર્મ!

ભારતમાતાના લલાટે રકત રેડ્યું

સુહાગનોનાં લલાટેથી સિંદુર ભૂસ્યું,

ફરવા આવેલાને ગોળીએ દીધા

વડાપ્રધાનને સંદેશા દીધા….

મિસાઈલોને પડકાર ફેંક્યા,

વિમાનોને નોતરાં આપ્યા

શક્તિશાળી ગરૂડોને કહો પાંખો ફેલાવે,

હવે આકાશમાંથી સળગતું મોત વરસાવે….

હે દેશવાસીઓ….

વીરહાક પડી છે,

મીણની બત્તીઓને કબાટોમાં પૂરી રાખજો,

શાંતિના પૂતળાંઓને ઘરમાં ખોડી રાખજો,

કહેજો કબૂતરોને કપરો કાળ ભમે છે,

સફેદ હવે આપણા ધ્વજ નહીં

એમના કફનો હશે

માતાઓ ભારતની હવે રાહ જુએ છે

ભારત માત્ર આદેશની રાહ જુએ છે

હવે ગજવો ઘોર ત્રિકાળ,

મહાભારતના કરો મંડાણ,

અખંડ ભારતનો કરો શંખનાદ,

ભારતમાતાની છે આણ,

પાર્થને કહો ચડાવે બાણ,

હવે તો,

યુધ્ધ કલ્યાણ…!!!!

~ એષા દાદાવાળા

🥀🥀

પાકિસ્તાની લશ્કરી ચીફ આસિમ મુનીરે થોડા દિવસ પહેલાં કહ્યું હતું, “પાકિસ્તાનની રચના કલમાના પાયા પર થઈ છે.” પાકિસ્તાનથી પ્રેરીત આતંકવાદીઓએ કાશ્મીરમાં જેમને કલમો પઢતા નહોતું આવડતું એવા પ્રવાસીઓને ગોળીએ દીધા. મને લાગે છે કે , રીમોટ કન્ટ્રોલ્ડ આતંકવાદીઓએ કોઈક પ્રવાસીની આંખમાં ચોક્કસ વાંચ્યું હશે….

મારા પૂર્વજોએ તીર, તલવાર,

બંદૂક અને તોપનો

સામનો કરીને મને એનો

વારસો આપ્યો છે,

લાલચ, પૈસા, ખજાનો….

બધું ઠોકરે

મારી એમણે એને સાચવ્યો હતો,

સેંકડો, હજારો વર્ષની પરંપરા છે

છે મારો ધર્મ,

વીરધર્મ,

દબાવ તારી બંદૂકનું ટ્રીગર

હું કલમો નહીં પઢું….

5 thoughts on “એષા દાદાવાળા ~ પૂછ્યું, કલમો પઢતા આવડે છે ?”

  1. દિનેશ ડોંગરે નાદાન

    વાહ સરસ પ્રાસંગિક રચના એષા.

  2. કોઈ પણ છોછ વિના, હિંમતથી સાંપ્રત સમયની વિડંબણાને સંવેદનપૂર્વક સમતાથી રજુ કરીને બહેન એષાએ કવિકર્મને ઉજાગર કર્યું છે. અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *