🥀🥀
ખંતથી એકે‘ક પગલું એમ મૂકું
દૂધની દાઝેલ છું, હું છાશ ફૂંકું.
સાંજ પડતાં થાય ‘હું’પદ કંઈ ચૂરા
બિંબ લાં…બું, પંડ જાણે છેક ટૂંકુ!
રાખજે તું જાત પર શ્રદ્ધા એ રીતે
જેમ હું મીંડાની આગળ ‘એક’ મૂકું !
હું હલેસું, હું પવન ને હું જ સઢ છું
વાંક કોનો ? વ્હાણ શ્રદ્ધાનાં જો ચૂકું !
~ રાજુલ ભાનુશાલી
કવયિત્રી રાજુલ ભાનુશાલીની આત્મવિશ્વાસથી સભર આ ગઝલ વાચકના હૈયામાં ય જરા જોર જગવી જાય છે.
આપબળે ડગલાં માંડવા એ કંઇ સહેલી વાત નથી. કંઇ કેટલીયે વાર પગ ઉપડતાં ભારોભાર તકલીફ પડે ! અરે, કેટલીયે વાર પગલું આગળ જવાને બદલે પાછળ જતું રહે…. એ મારી-તમારી સહુની અનુભુતિ છે.. એકદમ સાચું. મુસીબત એ છે કે એક ડગલું માંડ આગળ જવાય ત્યાં બીજે સમે બે ડગલાં પાછળ જતું રહેવાય.. અને આમ ને આમ આયખું પૂરું થાય એટલે બને એવું કે આપણે ઠેરના ઠેર.. શીખવાના પ્રયત્નમાં જ જિંદગી પૂરી થાય. આ સામાન્ય માનવીની વાત થઇ.. જે ક્યાંક પહોંચ્યા છે, જેણે કંઇક પ્રાપ્ત કર્યું છે એણે એટલું બહુ જલ્દી શીખી લીધું છે કે આગળ જવાય એનું જ ધ્યાન રાખવું. કમસે કમ એકેય પગલું પાછું ન પડવું જોઇએ.. કોઇનીયે સફળતાનું આ સિવાય બીજું કયું રહસ્ય હોઇ શકે ?
કવયિત્રી શું કહે છે ? પહેલા શેરમાં આગળ વધવાની ધખના તો છે જ, સાથે સાથે કડવા અનુભવોની સીખ પણ છે. આ જમાનો કોઇ પણ પ્રકારનો આઘાત આપવાનું ચૂકતો નથી. દૂધના દાઝ્યા છાશ પણ ફૂંકીને પીએ એ લગભગ સૌનો અનુભવ રહ્યો હોય. સમય વીતતો જાય અને કંઇ ખાટા-તૂરા અનુભવો ‘હું’પદના ચૂરેચૂરા કરતા જાય. એક પછી એક સંજોગ અહમને ભાંગતા રહે. આપણા ‘સ્વ’ વિશેના ખ્યાલ જ કેટલા મોટા અને છેતરામણા છે એની સાબિતી આપતી ઘટના એટલે જેમ તડકો માથે આવતો જાય એમ પડછાયો લાંબો અને જાત સાવ નાની !! મુશ્કેલી આવતી જાય અને જાતની અસલ સચ્ચાઇ ખુલતી જાય. મોટાઇના દાવા ખોટા પડતા જાય. પણ કવિની વાત આટલેથી થોડી અટકે ?
જાત પરની શ્રદ્ધાનું ગીત લઇને પછીનો શેર આવે છે. ભલે દુનિયા પોતાને મીંડુ સાબિત કરવા મથે પણ કદી હિંમત હારવાની નથી. ખુદમાંથી સહેજે વિશ્વાસ ગુમાવવાનો નથી. દુનિયા ભલે મીંડામાં ગણતરી કરતી રહે, પોતે તો હિંમત હાર્યા વગર શૂન્યની આગળ એકડો રચતા જ રહેવાનું છે. મારો મદદગાર એક ઇશ્વર અને બીજી મારી જાત. કોઇના ભરોસે મારે વહાણ હંકારવાનું નથી. એ તો ભરમાવનારી વાત થઇ. મારી નૈયાનું હલેસું હું છું, મારો પવન હું ને મારું સઢ પણ હું છું. કોઇનાયે ટેકા વગર મારે મારી તાકાતથી આગળ વધવાનું છે. પૂરી અડગ શ્રદ્ધા સાથે વિશ્વાસ ખુદમાં ને ખુદામાં.. પછી મંઝિલની મગદૂર છે કે ન મળે ?
દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 136 @ 13 મે 2014
રચનાને સમજાવતો આસ્વાદ સરસ છે. બંનેને અભિનંદન.
વાહ 👌👌
ખૂબ જ સરસ રચના, અને એવો જ સરસ કાવ્યનો ઉઘાડ, વાહ!
આપને આસ્વાદ ગમ્યો એ બદલ આભાર, મેવાડાજી, છબીલભાઈ અને મીનલબેન
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌનો આભાર.