🥀🥀
આજ મન મોરલીમાં માઢ નહીં છેડું;
હાં જોઉં હવે,
કહાન મને મથુરાથી મોકલે છે તેડું?
ઢોલ ચંગ વાગે છે પગલાંમાં પ્રીતમના
જમુનામાં ઘુમરાતી ઝંખના અધૂરી.
શરમાતી પૂનમને સહિયર, મેં સાચવી છે
અત્તરિયા અંતરમાં પૂરી;
આભ મહીં ઊગ્યા વૈશાખને હું વેડું;
કે કહાન મને મથુરાથી મોકલે છે તેડું!
ગીત મહીં ઘૂટું કદંબને, આ કલકલતી
કુંજોને આંખડિયે આંજું,
પગદંડી કમખામાં બાંધું ને વનરાવન
ઓઢી લઈ ઘૂંઘટમાં લાજું;
ઘાટે અધરાતના હું અજવાળું બેડું!
હાં કહાન મને મથુરાથી મોકલે તેડું!
~ હેમંત દેસાઈ (27.3.1934-2011)
કાવ્યસંગ્રહ : ‘ઇંગિત’ અને ‘સોનલમૃગ’
વિવેચનસંગ્રહ : ‘કવિતાની સમજ’