એષા દાદાવાળા & લક્ષ્મી ડોબરિયા * Esha Dadawala * Laxmi Dobariya
🥀🥀
જોઈએ છે એક ઝાડ !
જેની ડાળી પર પંખીઓના માળા
ન હોય તો ચાલશે,
પણ એ પાનખર-પ્રૂફ હોવું જોઈએ !
બારેમાસ લીલું ને લીલું રહેતું હોય એવું-
ઊચું-બીજા માળે આવેલા ફલેટની
મારી બાલ્કની સુધી પહોંચી શકે એટલું !
અને ઘટાદાર પણ જોઈએ જ,
જેનાથી બાલ્કનીનો વ્યૂ તો સુધરી જ જાય
પણ જેને બતાવીને
અંગ્રેજી મીડિયમમાં ભણતા દીકરાને
ગ્રીનરી પર એસે પણ લખાવી શકાય !……
~ એષા દાદાવાલા
વિશ્વ વનદિને સપ્રેમ
🥀🥀
ઝાડ દિલાસો વાવે
સધિયારો દેવાને બાહુ ડાળ તણાં લંબાવે
પાન સમયસર ખરી પડે ને ખુદનું માન વધારે
કૂંણી કૂંપળ ટાણે આવી ડાળનું હૈયું ઠારે
વાસંતી ને વૈશાખી પળ પોંખી લે સમભાવે
ઝાડ દિલાસો વાવે
ચૈતરની લૂને પણ દઈ દે શીતળતા વરણાગી
તડકાને ઝીલવાની કિંમત ક્યાંય કદી ના માંગી
સ્થિર થઈ વધવાના નુસખા આમ મને સમજાવે
ઝાડ દિલાસો વાવે
નિજના વૈભવને સ્હેજે મોસમના રાગે ઢાળે
વાત-વિસામો સહુનો થાવા મૂળને ઊંડા ગાળે
માળાના ધબકાર સુણી શણગાર એ સોળ સજાવે
ઝાડ દિલાસો વાવે
~ લક્ષ્મી ડોબરિયા
વિશ્વ વનદિને સપ્રેમ
આજે બન્ને કવિયત્રી ઓ ની સાંપ્રત રચનાઓ ખુબ ગમી વિશ્વ વન દિવસ અને વિશ્વ કવિતા દિવસ ની શુભ કામના
ઝાડ દિલાસો વાવે ~ લક્ષ્મી ડોબરિયા. ખૂબ સુંદર રચના.
સરયૂ પરીખ.