રાહી ઓધારિયા & તનસુખ ભટ્ટ ‘યાત્રી’ * Rahi Odhariya & Tansukh Bhatt
🥀🥀
હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો-
બસ એમ એમ મારો જમાનો થતો ગયો.
એનો થતો ગયો અને આનો થતો ગયો,
કોને ખબર હું કેમ બધાનો થતો ગયો !
આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
તારો થયા પછી હું ઘણાનો થતો ગયો.
વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.
કેવી અસર થઈ છે મને તારા સંગની-
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો !
~ રાહી ઓધારિયા 21.3.1946
🥀🥀
*મેઘસંગમાં*
પુષ્પથી ગંધ સમ, દીપથી તેજ સમ,
સૂર સમ વા સતારીથી સરતા
દૂરના દેશથી ભીનલા અનિલ આ
મધુર સુરભિ તણાં ઝરણ ઝરતાં.
સૂર્ય છાયો ઘને, શ્યામ છાયા વને;
લીલુડાં ખેતરો મૌન મરકે,
સ્તબ્ધતા છાવરે આભ ને અવનીને
ચિત્તમાં વાયુનાં ઘેન ફરકે.
શ્યામ અમ્બર મહીં શુક સૂડા લીલુડા
ઝુંડ રચતા ઊડે સ્વૈર પાંખે.
પલ્વલે ઊડતી ધવલ બગ-આવલી
વૃષ્ટિ આમંત્રતી મત્ત આંખે.
દૂરની વૃષ્ટિનાં ઇષ્ટ સૂચન થકી
ચિત્ત ઉત્કંઠ બની બ્હાર જાતું,
મેઘ, વર્ષા, તડિત, કાટકા સંગમાં
રંગમાં આવી અન્ત નહાતું.
~ તનસુખ ભટ્ટ ‘યાત્રી’ (21.3.1911)
બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ ગમી અભિનંદન
રાહીની ગઝલનો પ્રત્યેક શેર મુગ્ધ કરી દેનારો છે. યાત્રીની શબ્દયાત્રા પણ ખૂબસૂરત છે.