નયન હ. દેસાઈ એટલે નયન હ. દેસાઈ જ ! ~ રવીન્દ્ર પારેખ

🥀🥀

હા, નયન એક અને એક જ છે. ગઝલ ગુજરાતી થઈ એમાં ઘણા ગઝલકારોનો ફાળો છે, પણ ગઝલને તળપદો સંસ્પર્શ તો નયને જ આપ્યો. એ રજૂઆતનો રાજા હતો. કદ નીચું, પણ કવિતા ઊંચી. જીવનના ખૂણે ખૂણે એ એવી ફેરવી લાવ્યો કે ગઝલને રળિયાત થયા સિવાય છૂટકો જ ન થયો. એણે ‘રાનેરી બોર’ કરીને એણે કદાચ પહેલી વાર્તા લખેલી અને એ, તે વખતના શ્રેષ્ઠ વાર્તામાસિક ‘આરામ’માં પ્રગટ થયેલી. એ પછી તો ‘ઈશાની દલાલ’ના નામથી ‘ગુજરાતમિત્ર’માં ઢગલો છાપાળવી વાર્તાઓ પણ લખી. નાટકો લખ્યાં. એમાં બહુ ફાવ્યો નહીં, પણ ગઝલમાં નાટક એણે સફળતા પૂર્વક ઉતાર્યું. નાટકમાં આવતી સૂચનાઓ ને ક્રિયાઓ એણે કૌંસમાં, ગઝલને અકબંધ રાખીને ઉતારી. 

આમ તો એ શીર્ષકોનો કવિ રહ્યો છે. ‘એબસર્ડ ગઝલ’, ’એક ભૌમિતિક ગઝલ’, ‘સંભોગ-સિમ્ફની ગઝલ’ જેવી અરૂઢ શીર્ષકોની ગઝલથી અટકી ન જતાં, ‘ઊર્ફે’, ‘નયન દેસાઈ એસ.એસ.સી’, ’ચાલ, નયન એક ચા મંગાવ’, ‘લ્યો, ટેબલને તાળું મારો’ જેવી અરૂઢ રદીફો તેણે ગઝલ લખવા માટે પસંદ કરી અને તેને તંતોતંત નિભાવી. ગઝલનાં શીર્ષકો કેટલાંક આગંતુક હશે, પણ રદીફ-કાફિયા નયને એટલા સહજ રીતે નિભાવ્યા છે કે ગઝલ પાળેલી હોય તેમ તેને વશ વર્તતી. કવિ સંમેલનો કે મુશાયરાઓમાં તે સંચાલન કરતો હોય કે ગઝલ રજૂ કરતો હોય તો આખાય મંચને તે સંમોહિત કરી શકતો. તેની અભિવ્યક્તિ સહજ હોવા ઉપરાંત નાટ્યાત્મક પણ રહેતી. ગુજરાતના નામી ગઝલકારોની હરોળમાં તે રજૂઆતને જોરે સાધિકાર પોતાનું સ્થાન જમાવીને ઢગલો દાદ મેળવી શકતો. 

નયને છપ્પામાં ગઝલ લખી છે.

સાંજ વગરની સાંજ ઢળે ને દિવસ વગરનો તડકો થાય,
આમ કશું પણ કારણ નૈં ને આમ સમયનો ભડકો થાય.

જિંદગી તો હોય, પણ જીવન જેવું જ કૈં લાગતું ન હોય એવી સ્થિતિનું ચિંતન આ શે’રમાં જણાશે.

જગતમાં ક્યાંય ‘ઘેરિયા’ પર શે’ર નહીં થયો હોય, નયને કર્યો છે:

લોહીનો ધસમસતો રથ છે ઘૂઘરિયાળો કે સામળેક મોરચા,
બેઠું છે ભીતરમાં જાણે કોઈ નફકરું હાં રે હાં ભાઈ !

આ પંક્તિઓમાં ઘેરૈયાના સાંગીતિક ઠેકા સંભળાશે.

આજનો સમય સત્યવક્તાનો નથી. કોઈ સાચું કહે તો તેની દશા આવી છે:

જ્યારે જ્યારે હું દુનિયામાં સાચો પડ્યો,
ત્યારે ત્યારે મને એક તમાચો પડ્યો.

એ જ ગઝલનો ઈશ્વર વિશેનો શે’ર પણ નયનનું મોતી જ છે:

સ્વર્ગ બાંધ્યું હશે એણે કોઈ ના નથી,
પણ જગત બાંધવામાં એ કાચો પડ્યો.

એનાં ‘ચકલી કાવ્ય’, ’મંજુકાવ્ય’, ‘મગનમુક્તકો’ ‘પેથાભાઈ’ જેવામાં વિષય વૈવિધ્યની પડછે, હળવો વિરહ પણ પાંપણે બંધાય છે. ‘શ્રુતિસાગર’ નામનો એનો લઘુકાવ્યનો સંગ્રહ છે. એકાદ ઉદાહરણ જોતાં સમજાશે કે બહુ નાની જગ્યામાં એ કેવું વામન પગલું ભરે છે:

હું કવિતા લખતી વખતે
એમાં શિવ મૂકું છું
પછી મઠારતી વખતે
જીવ.

કવિતા મઠારવાની બહુ જરૂર જ આજે જણાતી નથી, ત્યાં નયન મઠારતી વખતે એમાં જીવ મૂકવાની વાત કરે છે. એની ‘પિયર ગયેલી ભરવાડણની ગઝલ’માં આખો સૌરાષ્ટ્રી પરિવેશ સજીવ થાય છે. આમ તો એ વાતાવરણની ગઝલ પણ છે. કવિએ કાફિયા પણ ‘સહિયર’, પાધર’, ‘દિયર’ ‘મહિયર’ જેવા ગામઠી પસંદ કરીને વાતાવરણ સર્જ્યુ છે. કોઈ નાયિકાને પિયર ક્યારેય અકારું લાગતું નથી, પણ તાણ ‘ભાભુજી’એ કરી એટલે પિયર આવવું પડ્યું, પણ હવે પિયર ગમતું નથી. કેમ? કારણ છે, પતિ:

મા,મને ગમતું નથી આ ગામમાં,
હાલ્ય, બચકું બાંધ, આયર સાંભરે ! 

ચડ્ડી-બનિયનધારી તો લૂંટવા આવે, પણ એ બધું લૂંટે તેમ ન હોય તો વિકલ્પ આ જ બચે છે:

ક્યાંકથી કોઈ ચડ્ડી-બનિયન ધારીઓનું ટોળું આવે,
તોય નથી પીડા લૂંટવાનું, ચાલ નયન એક ચા મંગાવ !

નયને પોતાનું ઠેકાણું આમ પણ આપ્યું છે:

રહે છે આમ તો તાપી તટે, સૂરતમાં એ કિન્તુ,
મળે શબ્દોના સરનામે નયન દેસાઈ એસ.એસ.સી.

સૂરજ સાત અશ્વોના રથમાં નીકળે છે, પણ આઠમા અશ્વની સવાર આમ પડે છે:

હું સૂરજનો કોઈ આઠમો અશ્વ છું,
આ રસ્તો, આ ચાબુક ને વાંસો ઉઘાડો !

હું મારામાં ગુમ થયો છું’ કહેતો નયન આમ પણ કહે છે:

ગામનું ઘર ને ખેતર વેચ્યા,
કોઈ ભાડાની રૂમ થયો છું.

ને કેવા શહેરમાં આવ્યો છે:

હર ગલી નાગનો રાફડો છે અહીં,
કેમ કરતાં આ માણસ બચી જાય છે.

તેણે

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

જેવી ભૌમિતિક ગઝલ લખી, પણ એટલાથી એ અટક્યો નથી, તેણે ભૂમિતિનો પ્રમેય પણ ગઝલમાં સિદ્ધ કર્યો. 

નયનનાં કેટલાંક ગીતોનો ઉલ્લેખ પણ કરવો જ રહ્યો. 

સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને…’ આખું ગીત રચના રીતિની રીતે પણ નોખું છે. આ બંધ જુઓ:

કાગળ ઉપર હાથનો પંજો ચીતર્યો છાનોમાનો જોને,
નામ અમારું એવું પાડ્યું: નહીં માતર કે કાનો જોને !

સડી ગયેલા શ્વાસો વચ્ચે આવે જાય અભરખા જોને !
લાશ બળે કે લાઇટર સળગે: બંને દૃશ્યો સરખાં જોને !

ફૂટી ગયેલા કાચનું ક્યાંથી થાય નયનભાઈ ઝારણ જોને !
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !

આ ગીત જ નથી, નયનની આત્મકથા પણ છે ને એ રીતે એ ઘણા નયનની ગીતકથા પણ છે. ‘જોને !’ જેવું વારંવાર કહીને તેણે, લાશ કે લાઇટર સળગવાની ઘટના સરખી લાગવા માંડે એ હદે મનુષ્યની વિકસતી સંવેદન બધિરતા તરફ અંગુલિ નિર્દેશ કર્યો છે.

નયન ભરવાડણનો પરિવેશ જે સહજતાથી સર્જી શકતો હતો, એ જ સહજતાથી તે મગદલ્લા બંદરની છોકરી પણ સર્જી શકે છે:

નાળિયેરી ઝૂંડનો પડછાયો ઓઢી
ગીત ગાય હઈસો ને હોફા
નામ એનું કાંઈ નહીં
મિલકતમાં મચ્છી ને ટોપલો ભરીને તરોફા…
બગલાની પાંખ જેવો પાથરી પવન
ઝાડ નીચે સૂઈ જાય ત્યારે દરિયો થઈ જાય…
મગદલ્લા બંદરની છોકરી…

વરસાદ તો વરસાદ જ છે, પણ એને એ સુરતનો બનાવી શકે છે:

પતરે ટપાક્ક ટપ છાંટા પડે ને પછી નળિયા ખટાક્ક ખટ્ટ તૂટે
સૂરતનો એવો વરસાદ…

પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ
કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન
પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઊછળે ને તીર એની સાથે
સટાક્ક સટ્ટ છૂટે… સૂરતનો…

નયને એક વિરહ ગીત આવું લખ્યું છે:

સૂના ઘરમાં ખાલી ખાલી માઢ-મેડિયું ફરશે,
તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે…

નયન નથી ને એ ગીત આપણે ગાવાનું આવ્યું છે. એમ લાગે છે જાણે ગઝલનું ઘર ઢગલો થઈને ઉંબર પર આવી પડ્યું છે…

@@

કાવ્યસંગ્રહો  

‘માણસ ઊર્ફે રેતી ઊર્ફે દરિયો’ (1979)

મુકામ પોસ્ટ માણસ’ (1982) (‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું પારિતોષિક)

‘આંગળી વાઢીને અક્ષર મોકલું’ (1984)

અનુષ્ઠાન’

સમંદરબાજ માણસ’

દરિયાનો આકાર માછલી’

કેર ઓફ નયન દેસાઈ

‘નયનનાં મોતી’ (2005) સમગ્ર કવિતા

‘ધૂપ કા સાયા’ (ઉર્દૂ સંગ્રહ) (ઉર્દૂ સાહિત્ય અકાદમીનું પારિતોષિક)

@@

એવોર્ડ

ગુજરાતી ગઝલમાં નોંધપાત્ર પ્રદાન બદલ આઈએનટી એવોર્ડ (2013)

કલાપી એવોર્ડ

કવીશ્વર દલપતરામ એવોર્ડ (2016)  

‘મેઘાણી એવોર્ડ’

જયંત પાઠક સુવર્ણ ચંદ્રક’

@@

કવિ નયન દેસાઈ

જીવન 22.2.1946 – 12.10.2023

માતા-પિતા : ઇન્દુમતીબેન અને હર્ષદરાય

જીવનસાથી : શશિ   

@@@

(કવિ રવીન્દ્ર પારેખનો લેખ ટૂંકાવીને)

6 thoughts on “નયન હ. દેસાઈ એટલે નયન હ. દેસાઈ જ ! ~ રવીન્દ્ર પારેખ”

  1. ઉમેશ જોષી

    દિવંગત કવિ નયન દેસાઈનો કાવ્યાત્મક પરિચય કરાવ્યો છે.
    અભિનંદન રવીન્દ્રભાઇ પારેખ.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    રવીન્દ્રભાઈએ નયન દેસાઈની કવિતાઓની વિશેષ ચિકિત્સા કરીને સરસ વિશિષ્ટતાઓ તારવી છે.

  3. SARYU PARIKH

    સૂના ઘરમાં ખાલી ખાલી માઢ-મેડિયું ફરશે,
    તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે… સરસ સંપાદન લતાબહેને કર્યું છે.
    નવાં પરિચયો માટે આનંદ.
    સરયૂ પરીખ

  4. સુરેશ 'ચંદ્ર'રાવલ

    ખૂબ આભાર રવીન્દ્રભાઈનો… સરસ મજાનો પરિચય શ્રી નયન દેસાઈનો તેમનાં કાવ્યો દ્વારા આપ્યો….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *