🥀🥀
જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?
આ આંખ ભટકતાં થાકી ગઈ, આ પ્રેમનો પોરો ખાવો છે,
કોઈ દિલની સરાઈ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?
છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?
હું ઠપકો દઉં છું રોજ, હૃદયને રોજ દિલાસો આપું છું,
કે તુંય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?
સપનાનું રેશમ જાય બળીને આશાની મુરઝાય કળી,
કોઈ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?
જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુઃખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?
હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો શા માટે?
~ વેણીભાઈ પુરોહિત (1.2.1916 – 3.1.1980)
વેણીભાઈ બીજા થવા નથી, લતાબહેન. મારાં ગીતોના ખૂબ સ્નેહથી આસ્વાદ કરાવતા. પત્ર મળે તો પ્રસન્ન કરી દેવાની કૂંચી પણ પત્ર સાથે જ મોકલતા! એમનાં ગીત અને ગઝલની મસ્તી જ કંઈ ઓર!
ગમ્યું મનોહરભાઈ.
ખૂબ સરસ રચનાઓ. ‘ઉનારે પાણીનાં..’ ગીત તો મને ખૂબ જ ગમે છે, અને મેં સ્વરાંકન કરી ગાયું છે. વંદન.
અરે વાહ ! બહુ સરસ.
ખૂબ સુંદર
રે નયના…
રે નયણાં ખૂબ સરસ છે
ગીતકાવ્યો ત્રણેય ખૂબ સરસ એમાં પણ ઉના રે પાણી ને નયણાના નીર અદભૂત…. આભાર લતાબેન..