ચાલ એક સંબંધ
🥀 🥀
*ચાલ એક સંબંધ*
ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..
હું દોરો હોઉં અને તું પતંગ બની ઉડીએ..
ચાલ એક સંબંધ…
ના તૂટીએ, ના ફાટીએ..
તેની કાળજી રાખીએ..
સરરર…
બધાંથી અળગું..
બધાથી આગવું ચગી બતાવીએ..
ચાલ એક સંબંધ…
ક્યારેક ઢીલમાં બહુ
દૂર-દૂર નીકળી જઈએ..
તો..
ક્યારેક ખેંચતાણમાં..
સાવ નમી પડીએ..
ચાલ એક સંબંધ…
ના કોઈની કાપાકાપી,
ના કોઈની દેખાદેખી કરીએ..
બસ,
આભની અનંત દુનિયા
આંબવાને ઉડીએ..
ચાલ એક સંબંધ…
થોડું ચગવાનું,
થોડું ડગવાનું,
થોડું લથડવાનું,
ગોથા પણ ખાઈ જવાનું..
આપણે કાં કપાવાનું,
કાં જમીન પર ઉતરવાનું..
અંતે તો..
છુટાં જ પડવાનું..
આ બધું વિચારી
થોડું કાઈ હિંમત હારવાનું?
આપણે તો એકમેક સંગાથે
આગળ વધવાનું..
ચાલ એક સંબંધ..
પેચબાજોથી બચવા બચાવવા
સામસામી ઢાલ બનીએ..
બરાબર હોય એકબીજા પર
પૂર્ણ નિર્ભર છતાં
અદ્ધરતાલ રહીએ..
ચાલ એક સંબંધ…
ગુંચવણો સઘળી ઉકેલીએ..
ને જૂના સંબંધો લપેટીએ..
ચાલ એક સંબંધ
પતંગ-દોરા જેવો બાંધી લઈએ…
ચાલ એક સંબંધ..
~ અજ્ઞાત
વાસી ઉત્તરાયણે એક કાવ્ય જેમાં કવિ પતંગના નામે સંબંધને ચગાવવાનું એટલે કે સાચવવાનું, ફાટી જતાં અટકાવવાનું અને તમામ પ્રકારની ઊંચ-નીચમાંથી પસાર થઈને પણ એક સુંદર મનભાવન સ્વરૂપ આપવાનું આહવાહન આપે છે. સંબંધોની ગીતાનું ગુંજન ગમી જાય એવું છે. આખુંય કાવ્ય એક સરસ હેતોપનિષદ રજૂ કરે છે.
સામાન્ય રીતે કવિનું નામ કવિતાની સાથે નોંધાતું જ હોય. ક્યારેકની ચૂકમાં આ મજાનું કાવ્ય આવી ગયું છે.
કોઈને ખબર હોય તો આ કાવ્યના કવિનું નામ આપશો ?
અજ્ઞાત કવિની ખૂબ સરસ રચના.
પતંગ અને સંબંધો વિશે ઘણાં કાવ્યો રચાયાં છે, એમાં આ અનોખું ભાવ વિશ્વ રજૂ કરે છે.
સરસ કાવ્ય ખુબ ગમ્યુ