પારુલ ખખ્ખર ~ અમે હેત હેલી
🥀 🥀
અમે હેત હેલી, અમે સાવ આળા,
મળ્યા તે છતાં બારમાસી ઉનાળા.
પ્રથમ દિલ ગજા બા’રનું ખેલી નાંખે,
પછી શાખ વેચી ને કાઢે દિવાળા.
હતી તો ડગર જાણે ફુલોની જાજમ,
મેં માંગીને લીધા છે કાતિલ શિયાળા.
જરા ઢીલ આપે, ચગાવે, કપાવે,
સમય, ખેલ તારા બધાંથી નિરાળા.
લગાવી મલમ ‘હાશ’ બોલીને બેઠાં,
ખુલ્યા ત્યાં તો ધસમસ પીડાઓનાં તાળા.
પ્રગટ થઇ જશે તો તો શું શું ન થાશે !
ગનીમત કે મનનાં છે છૂપા છિનાળા.
હવે જાતરાને વિસામો મળે બસ,
નથી ભેદવા લાખ જન્મોનાં ઝાળાં.
~ પારુલ ખખ્ખર
કવિ હોવું એટલે આળાં હોવું, અતિ સંવેદનશીલ હોવું – એ કવિઓનો સામુદાયિક ગુણ હશે ? કદાચ હા… કવયિત્રી પારુલ ખખ્ખર અહીં એ વાતની પુષ્ટિ કરે છે. અહીં વાતના બેય પાસાં ભરપૂર છે.. એક બાજુ હૈયામાં હેતની હેલી છલકાય છે તો બીજી બાજુ પોતાના આળા સ્વભાવને કારણે બારે માસ ઉનાળાનો તાપ ભોગવવાનુંયે નસીબમાં છે. અતિ સંવેદનશીલતા ઉનાળો નોતર્યા જ કરે એવું બને ! ‘આળા’ અને ‘ઉનાળા’માં માત્ર પ્રાસ જ મળતો નથી. બંને શબ્દોનું ભાવજગત કેટલું નજીક છે ! આ બારમાસી ઉનાળા છે. એને ઋતુચક્ર સાથે કંઇ લેવાદેવા નથી. ભરશિયાળે પણ એનો તાપ દઝાડ્યા કરે. નાયિકાએ કબૂલાત કરી જ લીધી છે, પોતાની ઊર્મિઓ બાબત. પોઝીટીવ થિંકીંગ / વિધેયાત્મક વિચાર કે બધાને માફ કરી દેવાની અને સારું જ જોવાની વાત સાંભળવામાં, વાંચવામાં ખૂબ સારી લાગે પણ એ કેટલી દુષ્કર છે !! જો એવું કરી શકાતું હોત તો દુનિયામાં કોઇ દુખ દર્દ રહેત જ નહીં.. લોકો ચેતનાની એ કક્ષાએ પહોંચી ગયા હોત કે જ્યાં સમતા છવાયેલી હોય પણ એવું બનતું નથી..
ભાવુક લોકોની આ જ તકલીફ છે. વહેવામાં એ પાછું વાળીને જુએ નહીં.. પોતે ખલાસ ભલે થઇ જાય પણ દિલ ધોધ થઇને ઉમટે. ગજા બહારનું ખેલી નાખે. એને એટલું સામેથી મળે નહીં અને પછી લમણે હાથ દેવાનો વારો આવે. આવા લોકો તકદીરમાં હાર લખાવીને જ લાવ્યા હોય છે. એની સામે બે રસ્તા હોય છે. પણ શહીદી વહોરી લેવાનો સ્વભાવ ક્યાંથી છૂટે ?
આમ છતાંયે સમય સામે ફરિયાદ તો થઇ જાય છે. ‘તું મને ચગાવે છે ને પછી કપાવી નખાવે છે, આવું મારી સાથે કેમ કરે છે ?’ રાહત નસીબમાં જ નથી એટલે બધા ઉપચાર નકામા નીવડે છે. જરા ઘાવ પર ઠંડક કરીને બેઠાં કે પીડાંઓના પૂર તાળાં તોડીને ધસમસ ફરી વળ્યા..
પછીના શેરમાં વાત જરા જુદી આવે છે. મનના કારનામાં ઓછા ખતરનાક નથી.. એ તો છુપાઇને રહે ત્યાં સુધી સારું છે.. ભેદ જો ખૂલી ગયો તો આવી બન્યું.. અહીં મનના ખેલને ‘છિનાળાં’ કહીને કવયિત્રીએ માનવ મનની દુર્ગમતા ને એની ગંદકીનેય છતી કરી છે. પણ આખરે તો દરેક માનવી ઇચ્છે છે ‘હાશ…’ , ‘વિસામો…’, ‘રાહત…’ એટલે સુધી કે અહીં એને બીજા જન્મોનીયે ઝંખના નથી.. બસ જે છે એ આ છે અને હવે પૂરું થઇ જાય… હવે જાતરાને વિસામો મળે એટલે બસ…
આ ગઝલકારની રજૂઆતમાં નાવિન્ય અને તાજગીનો અહેસાસ થાય છે.. મજાની પ્રાસરચના સાથે જુદાં જ કલ્પનો એમની કવિતામાં ઠેર ઠેર વેરાયેલાં પડ્યાં છે..
દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 127 @ 4 માર્ચ 2014
વાહ ગઝલ અને આસ્વાદ ખૂબ સરસ.
કવિયત્રી પારુલ જીની ગઝલો આમેય હટકે હોય છે. આપનો આસ્વાદ પણ સરસ ઉઘાડી આપે છે.
સરસ ગઝલ, સરસ આસ્વાદ… વાહ વાહ
અતિ સંવેદનશીલ સાથે નાવિન્યપૂર્ણ પ્રતીકો 👌👌👌👏👏👏
આપનું નામ ?
ખૂબ જ ઉમદા રચના અને આસ્વાદ
આભાર પાયલજી, લલિતભાઈ, મેવાડાજી અને ઉમેશભાઈ