
🥀 🥀
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?
જીવનમાં બસ એક જ ઘટના, એક જ ઘટના
ભીતર એક જ નામની રટના, નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?
આટલું બધું….
જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?
આટલું બધું…
~ સુરેશ દલાલ
2025ના નવા વર્ષનો પ્રથમ દિવસ !
‘કાવ્યવિશ્વ’ પર આપ સૌને વ્હાલભરી શુભેચ્છાઓ આપવા મારે શું મૂકવું એ વિચારતી હતી
અને યાદ આવ્યું, હમણાં ઘણાં સમયથી ગીતો નથી મુકાયા….
આવું સરસ ગીત અને એને એટલી જ મધુર રીતે ગાનારા બે ગાયકો શ્યામલ મુનશી અને અમર ભટ્ટ
આહા.. મન સભર સભર થઈ ગયું…..સૌ કાવ્યપ્રેમીઓને અઢળક સંગીતમય શુભેચ્છાઓ
**
આટલું બધું વ્હાલ * સુરેશ દલાલ * સ્વર અને સ્વરાંકન અમર ભટ્ટ
આટલું બધું વ્હાલ * સુરેશ દલાલ * સ્વર શ્યામલ મુનશી * સ્વરાંકન શ્યામલ-સૌમિલ મુનશી

આદરણીય લતાજી આપને અને કાવ્યવિશ્વને નૂતન વર્ષ ૨૦૨૫ ની હાર્દિક શુભેચ્છાઓ. બસ આમજ પ્રગતિ કરતાં રહો.
આભારી છું મેવાડાજી. આપ પણ આમ જ કાવ્યવિશ્વને સપોર્ટ કરતાં રહેશો એવી આશા. સ્વાસ્થ્યની શુભેચ્છાઓ.
શબ્દ અને સ્વરાંકન ખૂબ સરસ..
કવિને સાદર સ્મરણ વંદના..