ચંદ્રકાન્ત સાધુ ~ ખાલીપો ખખડે છે * Chandrakant Sadhu
🥀 🥀
*ખાલીપો*
ખાલીપો ખખડે છે ખોળિયાને ઠામ!
કેમે ઉકેલવા જીવતરના કોયડા?
આગિયાનાં અજવાળાં દેજો હે રામ!
જીરવ્યા આઘાતો ને વેરઝેર પીધાં ને
એમ કરી અટવાતા પાય,
ભર્યાં ભર્યાં ખેતર સૌ પાધર બન્યાં ને
આમ વાડ્યો તૂટી ને ગળી કાય.
જંતરમાં ઝણકે છે તમ્મારું નામ,
આગિયાનાં અજવાળાં દેજો હે રામ!
જોયાં-જાણ્યાંનાં વખ ઘેરી વળ્યાં ને
આમ મારગ સૌ ફંટાતા જાય,
દૂરના દરબારના દરવાજા દેખું ને
તોય પાછું જોવાનું મન થાય.
ખૂટ્યાં છે ભાન અને તૂટ્યા છે જામ,
આગિયાનાં અજવાળાં દેજો હે રામ!
ખાલીપો ખખડે છે ખોળિયાને ઠામ!
~ ચંદ્રકાન્ત સાધુ (3.12.1938 )
વાહ, ખૂબ સરસ ભજનના ભાવ સાથે નું ગીત.
વાહ ખુબ સરસ ભાવસભર રચના
રચનાની પહેલી પંક્તિનો અનુપ્રાસ ‘ખાલીપો ખખડે છે..’ સરસ પ્રયોજાયો છે.