વારિજ લુહાર ~ એવું વિચારી * જલરવ (કાવ્યસંગ્રહ)

🥀 🥀

એવું  વિચારી   તાપણું  કરતાં  અમે.
થીજી  ત્વચાનું   પારખું  કરતાં  અમે.

થાકી   શકાતું   એટલું   થાકી   જતાં,
અટકી જવા બસ આટલું કરતાં અમે.

વાસી  તમાકુ   હોય તો પણ ચાલતું,
બંધાણ એવા  ફાલતું   કરતાં  અમે.

ખાંસી, બગાસું, છીંક અથવા હેડકી,
આવે તો  એનું  કાટલું કરતાં  અમે.

ક્યારેક તો ક્યારેકથી આગળ વધી
ક્યારેકનું મન માનતું કરતાં અમે.

પોતે જ પોતાના થવાના મોહમાં,
પોતાપણું પણ પારકું કરતાં અમે.

ઘાટાં થયેલા રક્તને  જીવાડવા,
ખપ હોય એવું પાતળું કરતાં અમે.

~ વારિજ લુહાર

શબ્દાર્થ અને ભાવાર્થની વચ્ચે કવિતા કેવી વહે છે ? ‘તાપણું કરવું’ પૂરી ભૌતિક બાબત, એને ‘થીજી ત્વચાનું પારખું’ કરવાની વાત જોડી એક જુદી જ અર્થછાયા ઊભી થઈ છે. (અલબત્ત અહીં ‘તાપણું’ અને ‘પારખું’માં મુક્ત કાફિયા છે, ચુસ્ત નથી છતાંય) જે કહેવાયું છે એ વાત શબ્દોના છાંયે ખૂબ સરસ ઊગી છે. આસપાસની દુનિયા જ એવી છે કે ‘થીજી ત્વચા’ સંવેદના બુઠ્ઠી થતી જાય ત્યારે પોતાની પરીક્ષા કરતા રહેવાની વાત છે. પોતાને તાપણે તપાવવાની વાત છે. અલબત્ત ઠંડી ઉડાડવા તાપણે તાપવાનું હોય પણ ગઝલમાં આપણે એને વધારે આકરું સમજી શકીએ.   

‘વાસી તમાકુ’ કે ‘ખાંસી બગાસું’વાળા શેર ગંભીર ભાવધારામાં અડચણ કરે છે. પણ એ સિવાય બધા શેર સરસ. અંતે ફરી ‘ઘાટા થયેલા રક્ત’ની વાત કરી કવિ મૂળ પ્રવાહે પહોંચી જાય છે.  

11 thoughts on “વારિજ લુહાર ~ એવું વિચારી * જલરવ (કાવ્યસંગ્રહ)”

  1. ડી એમ કાસોટીયા

    વાહ ખુબ સરસ, અભિનંદન 🌹💐

  2. સાવ થાકેલા સમયની કાટ લાગેલી ક્ષણો,
    સરસ રચનાઓ.
    સરયૂ પરીખ

  3. રેખા ભટ્ટ

    વારિજભાઈની ગઝલો ગમી. ટોચ પર વરસાદ છે જેવી તાજગીસભર ગઝલો વાંચવા મળે એની ખુશી છે.

  4. જે.જે.વિરાણી

    તાજગી સાભાર ગઝલોનો મજાનો ગજરો મળી ગયો!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *