અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ~ મારા જન્મની સાથે જ

🥀 🥀

*વૃક્ષત્વ*

મારા જન્મની સાથે જ મારામાં ફણગ્યું,’તુ બીજ.
પંખીઓના કલરવે મને કરાવ્યો વૃક્ષત્વનો પરિચય.

પંખીઓ તો ઊડતા શબ્દો
આકાશે ઊડતી વિહંગપંક્તિને જોઉં છું
—કવિતાની પંક્તિને જુએ જેમ કવિ.

થોડા દિવસથી થડની બખોલમાં આવીને કોઈક ભરાઈ ગયું છે.
આ તો સૌનું ઘર-
પણ ત્યારથી પંખીઓએ અંદરોઅંદર વાતચીત શરૂ કરી છે.
શબ્દો તો પારકું ધન.
પંખીઓય એવી રીતે ક્યાંક બીજે માળા બાંધશે?
બખોલની શૂન્યતાને ભરી દેનાર હિંસ આગંતુક,
પછી તો તુંય અહીં શાનું રોકાય?

પંખીઓના વહી જતા કિલકાર લઈને આવતો પવન.
પેલા આગંતુકનાં પગલાં ભૂંસતો ચાલ્યો જશે…
અને રહી જશે
વહી જશે વૃક્ષત્વ?

~ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (11.11.1935 – 31.7.1981)

કિમપિ – મરણોત્તર કાવ્યસંગ્રહ

અનિરુદ્ધ ની કવિતા સાહિત્યની સમકાલીન આબોહવામાંથી પ્રગતિ છે એટલે એમાં રાજેન્દ્ર લાભશંકર ઈત્યાદિના ભાષા કે અભિવ્યક્તિના ભણકારા વાગે પણ એમની કવિતા પર અથવા કહો કે કાવ્યવિભાવના પર સુરેશ જોશીની અસર સવિશેષ વર્તાય છે. જીવનદાતા સૂર્ય એ એમની કવિતાનું એક રીતે જોઈએ તો પ્રિય પાત્ર છે.

કવિએ જે અનુવાદો કર્યા છે તેમાં રવીન્દ્રનાથના અને પરદેશની ભાષાઓના મળે છે. અનુવાદો એટલું તો સિદ્ધ કરે છે કે એમની સંવેદનશીલ ચેતના ઉત્તમ કૃતિઓને કઈ રીતે પકડી પાડે છે અને આપણી ભાષામાં અવતારે છે.

એમણે કાન્તકૃત વસંત વિજયના વિવેચનોનું વિવેચન કરતાં કાવ્યના સ્વાયત આંતરસ્વરૂપ વિશે જે સમજણ દાખવી છે. સાથે સાથે પોતાની ભાષાના સાહિત્ય માટેની પ્રીતિ પણ છે. એમણે કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો, સાહિત્યિક પ્રવાહો, ઘટનાઓ, ચર્ચાસ્પદ અને પ્રશિષ્ટ કૃતિઓ વિશે લખ્યું છે.

“કરી દે દરવાજો બંધ ને નીકળી આ રસ્તા પર
મારા નગરમાં તો હવે રોજ ધરતીકંપ થાય છે.”

‘જંગલમાં આખા દરિયા નથી હોતા
દરિયાના પેટાળમાં ગાઢા જંગલ હોય છે, હોં’

~ રઘુવીર ચૌધરી (તિલક 1)

એમના હસ્તાક્ષરમાં લખાયેલી કાવ્યપંક્તિ માટે જુઓ

5 thoughts on “અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ~ મારા જન્મની સાથે જ”

  1. હેતલ રાવ

    સુંદર કલ્પનો👌👌🙏 પોતાના આગવા ભાવવિશ્વ સાથે તરબોળ કરતાં સઘળા કાવ્યો

  2. વાહ! બધી રચના સરસ.
    સૂરજ રમતો ભમતો ઊગ્યો.
    ઊગ્યો એવો દરિયો થઈને તેજલ રંગે છલક્યો.
    ને વનકન્યાના કેશકલાપે
    આવળિયાનું ફૂલ થઈને મલક્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *