દિનવિશેષ : આદિલ મન્સૂરી ~ બે ગઝલ * Aadil Mansuri
🥀 🥀
તમારી યાદના સૂરજ ઉપર છાઈ નથી શકતા,
કદી એકાન્તના પડછાયા લંબાઈ નથી શકતા.
નહિતર આ બધી નૌકાઓ ડૂબી જાય શી રીતે,
સમંદરમાંય મૃગજળ છે જે દેખાઈ નથી શકતા.
નથી નડતા જગતમાં કોઈ દી’ ખુશ્બૂને અવરોધો,
કદીયે કંટકોથી ફૂલ ઢંકાઈ નથી શકતા.
પડ્યાં છે પીઠ પર જખ્મો; મુકું આરોપ કોના પર?
ઘણા મિત્રોનાં નામો છે જે લેવાઈ નથી શકતા.
ખુદા, એવાય લોકોની તરફ જોજે કે જેઓને,
જીવનમાં રસ નથી ને ઝેર પણ ખાઈ નથી શકતા.
સુખો તો કોઈ દી’ આવે અને વ્હેંચાઈ પણ જાયે,
પરંતુ એ દુઃખોનું શું, જે વ્હેંચાઈ નથી શકતા.
પછી એ વાદળો તૂટી પડે છે દર્દના રણમાં,
સમી સાંજે સુરાલય પર જે ઘેરાઈ નથી શકતા.
ગઝલ સારી લખો છો આમ તો ‘આદિલ’ સદા કિંતુ,
કસર બસ એટલી છે કે તમે ગાઈ નથી શકતા.
~ આદિલ મન્સૂરી (18.5.1936 – 6.11.2008)
🥀 🥀
હોય શું બીજું તો ખાલી હાથમાં
ખાલીપો ખખડે સવાલી હાથમાં
હોઠ પર દરિયો ઘૂઘવતો પ્યાસનો
કાચની એક ખાલી પ્યાલી હાથમાં
ભાગ્યરેખા હાથથી સરકી ગઈ
રહી ગઈ બસ પાયમાલી હાથમાં
હાથમાં ફિકાશ વધતી જાય છે
ક્યાંથી આવે પાછી લાલી હાથમાં
હાથ એનો હાથતાલી દૈ ગયો
ને હવે પડઘાય તાલી હાથમાં
એક છાયા રાતભર ઘૂમે અહીં
ચાંદનીનો હાથ ઝાલી હાથમાં
~ આદિલ મન્સૂરી (18.5.1936 – 6.11.2008)
કવિને સ્મૃતિવંદના
કવિશ્રી ને સ્મ્રુતિવંદન
જીવન માં રસ નથી અને ઝેર પી શકતા નથી……વાહ વાહ Touching
દમદાર કવિને સ્મૃતિ વંદન.