🥀 🥀
તડકો ચીરીને સ્હેજ ત્રાંસો કર્યો
તો દડ્યાં ઝાકળનાં ચારપાંચ ટીપાં…
કાચા પરોઢિયાને કાંટો વાગે ને પછી
ટશિયો ફૂટે ને એમ ફૂટતો,
ઊગમણા પડખામાં પાટું મારીને રોજ
બાંધેલો સૂરજ વછૂટતો,
શરમાતી લ્હેરખીને હોડમાં મૂકીને
બધાં ઝાડવાંઓ ચીપે ગંજીપા…
ઊડતા પંખીનો જોઈ પડછાયો
પાંદડાંઓ વીંઝે પોતાની પાંખ વામણી,
કલરવની પાલખીમાં હેમખેમ નીકળવા
સાંજ લગી બેસે લજામણી,
ચાંદાની ચાનકીને ચૂલે ચડાવી
કોઈ ધ્રાસકાઓ ફૂંકે માલીપા…
~ વિનોદ જોશી
તડકો ત્રાંસો થઈને આવે એ ઝાકળનો સમય ! વાહ રે કવિતા !
સૂરજ ‘ઊગતો’ એવું હજજારો વાર વાંચ્યું, સાંભળ્યું પણ રાતના પડખામાં પાટું મારીને ‘સૂરજ વછૂટતો’ તો આ કવિ જ કહી શકે ! કે આ જ કવિ ઝાડવા પાસે ગંજીપો ચીપાવી શકે.
નિતનવા કલ્પનોનો લીલોછમ દરિયો જાણે !
‘હરિ તારા હાથ વખાણું કે…..’ વિનોદભાઈના ગીતો આવું ગવડાવી શકે.

વાહ, ખૂબ જ કાવ્યો.
વિનોદ જોશીની કવિતાઓ એટલે નાજુક કોમલ કાવ્ય પદાર્થની જૂઈ જેવી મંદ મીઠી સુગંધ
કલરવની પાલખીમાં હેમખેમ નીકળવા
સાંજ લગી બેસે લજામણી,…
ભાવનગરનું ગૌરવ, વિનોદ જોશીની સરસ રચનાઓ.
સરયૂ પરીખ.