સુરેન્દ્ર કડિયા ~ નહીં કોઈ ભ્રાંતિ & લાગણી ઐસી * Surendra Kadiya
🥀 🥀
*નહીં કોઈ ભ્રાન્તિ*
નહીં કોઈ ભ્રાન્તિ, નહીં ભાવ દૂજા
તપસ્યા તમારી, અમારી છે પૂજા
અ-રોશન કે રોશન અવસ્થા વટાવી
કયહીં દીપ પ્રગટા, કયહીં દીપ બુઝા
અમે શબ્દ-સિંહાસનારૂઢ સ્વામી
કલમ એ જ કૌવત અને બે જ ભુજા
પ્રખર પંચભૂતોની સીમા વટાવી
નથી આંખ ફરકી, નથી રોમ ધ્રૂજા
મડાગાંઠ લઈને મડાં બહુ ઝઝૂમે
કદી હોય ઝાઝાં, કદી હોય જૂજાં
~ સુરેન્દ્ર કડિયા
વિચારોની સ્વસ્થતા, ભાવની સમતા પ્રથમ શેરથી જ પ્રગટ થાય છે. કોઈ અવઢવ નથી, કોઈ ભ્રાંતિ નથી પણ જે છે એ શું છે ? તમારી વાત જે પણ હોય, અમારી તો પૂજા છે. એટલે જ સંજોગો કે અવસ્થા એના પર અસર કરતાં નથી. વિચાર કે ક્રિયા જ્યારે પૂજા બને ત્યારે એ એક જુદા વિશ્વની વાત બની જાય છે. અને ત્રીજા શેરમાં કવિ પોતાની પૂજા વિશે સ્પષ્ટતા કરી દે છે. ‘અમે શબ્દ-સિંહાસનારૂઢ સ્વામી
કલમ એ જ કૌવત અને બે જ ભુજા’ શબ્દ બ્રહ્મ છે, એની સીમા અનંત છે. શબ્દ જેને તાકાત આપે છે એને કોણ ધ્રુજાવી શકે ? એને કોણ ચળાવી શકે ? શરીર કે ભૌતિક જગત એની પાસે લાચાર છે.
એક સામર્થ્યવાન ભાવપ્રવાહ સાથે આખીયે ગઝલ શબ્દનો મહિમા રચે છે અને કવિ શબ્દશક્તિને જ સર્વશક્તિમાન કહી પોતાની લેખનકલાને પૂજાની કક્ષાએ મૂકે છે. એટલે શબ્દોની પસંદગી કાબિલે દાદ છે. પ્રતીકો એટલાં જ પ્રતીતિકર અને મજબૂત રચાયાં છે.
🥀 🥀
*મૈં હારી*
લગની ઐસી લગ રહી, બસ લગ રહી, મૈં હારી
ઘટ અલખની એકતારી બજ રહી, મૈં હારી
મારે તોરણ શ્યામ પધારે, થારે તોરણ કુણ-કુણ?
પૂછ-પૂછ કર શરમ સે મારી મર રહી, મૈં હારી
અંગ-અંગ પર જગ સુહાવે સોના ઔર સુહાગા
મૈ તો ભીતર, ખુબ જ ભીતર સજ રહી, મૈં હારી
એક પાવ પર થીરક રહી ઔર એક પાવ ત્રિભુવન મેં
ઐસો નાચ નચાયો અનહદ, થક રહી, મૈં હારી
કૈસા બદરા, કૈસી બીજુરી, કૈસા બરખા-પાની
ખુદ કે બીચ ખુદ બરસ રહી, ભૈ બરસ રહી, મૈં હારી
~ સુરેન્દ્ર કડિયા
શબ્દે શબ્દે મીરાં યાદ આવે…. ભાવ ભાવ મીરાંને અનુભવાવે…..
વાહ, બંને રચનાઓ અદ્ભૂત. આપની નોંધ પણ સરસ છે.
સરસ ગઝલ
સરસ રચનાઓ
બંને રચનાઓ સરસ છે. અભિનંદન.
સુરેન્દ્રભાઈની રચનાઓ પ્રતિદિન અધ્યાત્મ અમૃત સ્પર્શ પામીને જ્ઞાનપૂર્ણ ભકિતની મસ્તીભરી.
ખુબ સરસ રચનાઓ આસ્વાદ પણ ખુબ સરસ અભિનંદન
બન્ને ગઝલ એક અનોખો ભાવવિશ્વ રચી જાય છે… ખૂબ સરસ…. અભિનંદન….
વાહ વાહ ને વાહ