🥀 🥀
*આપણી જુદાઈ*
આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી
ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન ફૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કોળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી
જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પત્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનમૂન
ધેનુની આંખનું હું પાણી
~ મનોજ ખંડેરિયા (6.7.1943 – 27.10.2003)

નિવડેલા કવિ શ્રી મનોજ ખંડેરિયા નું આ ગીત અને ગઝલ ખૂબ જ માનનિય છે.
‘ધેનુના આંખનું પાણી ‘ ની વાત જ અનૂઠી છે.
ગઝલ પણ સરસ બની છે.
ખૂબ સરસ ગીત અને ગઝલ..
મનોજ ખંડેરિયાની ગીત કાવ્ય અને ગઝલ વિશે શું કહેવું… ખૂબ સરસ બન્ને રચનાઓ….!
ગઝલમાં ઋજુતાનો પર્યાય એટલે આદરણીય મનોજ ખંડેરિયા