ગીત : સંજુ વાળા * Sanju Vala

ગીતસ્વરૂપ વિશે વાત કરવી હોય તો આપણા ગીતનો લગબગ ૬૫૦ વર્ષના ઇતિહાસને ઊંડળમાં લઈને સમગ્રપણે એની વિભાવના અને તપાસને સાથે રાખી એમાંથી કોઇ તારણ પર આવવું રહે. જે એક મહાનિબંધ જેટલું કામ બની જાય. ગીત વિશેની વિચારણામાં આ અગાઉં કવિશ્રી ચિનુ મોદીની ગીતકવિતા વિશે વાત કરેલી. જે ચિનુકાકા વિશેના સ્પે. અભ્યાસમાં ગ્રંથમાં  સમાવિષ્ટ થયેલ છે. એના એકાદ બે ફકરા જૂઓ….

ગુજરાતી ગીતકવિતા વિશે વાત કરતા કવિશ્રી સુન્દરમ કહે છે : ‘ગીત માનવકંઠના જેટલી જૂની વસ્તુ છે.’ (સાહિત્યચિંતન/ગીતનું સ્વરૂપ પૃ.૩૫૧) આપણે બહુ આગળનું ના જાણતા હોઈએ તો પણ ગુજરાતી ભાષાને ગીતનો વારસો છેક નરસિંહ મહેતાથી મળ્યો છે. એટલે આજની કોઈ ગીતકવિતા વિષે વાત કરવાની થાય ત્યારે પંદરમા સૈકાથી આજ સુધીની ગીતકવિતાના સંદર્ભમાં રહીને કરવી રહે. આ આખ્ખી પરંપરાને ધ્યાને લઈને અથવા તો એને સ્મૃતિપટ પર રાખીને આજના ગીતની વાત કરવામાં આવે તો એના લેખા-જોખાનું યથાર્થ ઉપજે તેવી જાણ હોવા છતાં એ દીર્ઘપટને ફંફોસવાનો અહીં અવકાશ નથી અને એને અવગણી શકાય તેમ પણ નથી. મુશ્કેલી એ છે કે આટલા મોટા વ્યાપમાં એની ચર્ચા કરવા જઈએ તો ગીતકવિતાનો એક અભ્યાસલેખ કરવો પડે. સાથે આમ કરતાં જે પરંપરા પોષક બની છે કે પોષણ આપ્યું છે, તેનો સધિયારો, દિશાસૂચન કે સંકેત ક્યાં ? કેવાં ? અને કેટલાં સાંપડ્યાં અને કેટલાં વેડફાયાં ? એને અંકે કરીને અનુબંધ રચાયા કે અવગણીને આગવા કેડા કંડાર્યા ? આવું ઘણું  કોઈપણ નીપજ કે ઉપજના સંદર્ભમાં તારવણી સાથે મૂલવવાનું  રહે. આવી ગીતકવિતા વિશેની બહુઆયામી ગૂંચવણો સાથે રાખીને, જેના વિશે વાત કરવી છે, તે આયામ સુધી પહોંચવું રહે અને એમ કરવાં જતાં જેનાં વિશે વાત કરવાની છે તે ક્યાંક આડે હાથે મૂકાયાનો ભય પણ રહે. એટલે આ સમગ્ર ગીતકાળને ભૂલીને નહીં પરંતુ, નીરવ કરીને કે પડદા પાછળ રાખીને રંગમંચ પર જે ગીત લીલામય છે તે સૌમાં આ કવિના ગીતનું સ્પોટલાઈટના સહારે નજીકદર્શન કરવું રહે.  એટલે અહીંના આ ઉપક્રમને પણ એક પ્રયત્ન માત્ર ગણવો રહે.

આ ગીતકવિતાની વાત લઇ બેઠો છું ત્યારે મને રંગમંચ પર પૂરતા પ્રકાશમાં એક દૃશ્ય દેખાય છે. એ એવું છે કે, કવિ ચિનુ મોદી પોતાના ગતિભાસ અને શ્વેત સમુદ્રોની ગીતકવિતા સાથે મંચ પર હાજર છે. તેની સાથે પોતપોતાની ગીતકવિતા લઈને કેટલીક સમકાલીન મંડળીઓ પણ મંચસ્થ છે. તેમાં ઉમાશંકર થી અનિલ જોશી, સુન્દરમથી હરીન્દ્ર>ચંદ્રકાન્ત શેઠ, રાજેન્દ્ર શાહથી રમેશ>રાવજી, બાલમુકુન્દ>પ્રિયકાંતથી પ્રદ્યુમ્ન્ન તન્ના અને નિરંજન ભગતથી ઉપરના પ્રત્યયથી બીજા ક્રમે કહ્યા તે યથૌચિત, તેમજ આજના ગીતાનુરાગીઓ હરીશ મીનાશ્રુ, માધવ-વિનોદ વગેરે સહિતના અને તે ઉપરાંત પણ ઘણાં સૌ, સામૂહિક અને પોતીકા, નાના-મોટા અવાજ સાથે ઉપસ્થિત છે. ‘ઉપરાંત પણ ઘણાં’ પૈકીનાં કોઈ સ્થિર થઇ બેઠાં છે, કોઈ ઉભડક છે. કોઈ ઊભાં છે અને કોઈ ઉતાવળાં છે. મંચ પરના પૂરતા પ્રકાશમાં આ દૃશ્યની પહેલાં પણ નરસિંહથી દયારામ, મીરાંથી ગંગાસતી, દેવાયત પંડિતથી દાસી જીવણ અને  ન્હાનાલાલથી નર્મદ સુધીની પદ-ભજન-ગીતની પૂર્વસૂરી મંડળીઓએ પોતાના અંક/વેશ/ પૂરા કર્યા છે, પણ હાજર છે અને પરદા પાછળથી સાંપ્રતકાલીન દૃશ્ય નિહાળે છે. તેમાં રહેલાં સામ્ય અને અલગતા વિષે અંદરોઅંદરના સંવાદમાં છે. મંચ ઉપર છે તેના પડછાયા છેક પરદાની પાછળ સુધી લંબાય છે અને પાછળ જે છે તેનો સામૂહિક અવાજ મંચ પર અને વાતાવરણમાં વ્યાપ્ત છે. જે સરવા કાને, થોડી કોશિશ કરીએ તો, અત્યારે જે મોટો અવાજ આવી રહ્યો છે તેની વચ્ચે પણ સાંભળી શકાય છે. અથવા મંચ પરના અવાજને મોટો કરવામાં એ ઓગળી-ભળી જઈને પોતાનું કામ કરે છે. આ કવિ અને એની સાથેની મંડળીઓ જે પરદા પાછળ છે તે અવાજોથી અભિનિત છાયામય દૃશ્યસંકલનાઓના બળે ઊભરતાં અને ઓછારતાં પણ જણાઈ આવે છે. કોઈને ભાવ-ભાષા-લયઢાળનો ટેકો છે, તો કોઈને વસ્તુસંદર્ભનો આશરો છે. કોઈને અભિવ્યક્તિનો સહારો છે તો કોઈને અનૂભૂતિનો અનુબંધ છે. એનો પરિવેશ આધુનિક જણાઈ આવે છે, પણ એનું પોત પ્રાચીન-મધ્યકાલીન-અર્વાચીન પણ ક્યાંક ક્યાંક લાગે છે. આ દૃશ્યોમાં ફોકસ બદલતું રહે  છે, તેમ પ્રકાશના રંગ અને ટોન પણ બદલાતા રહે છે અને એ દૃશ્યને આછા-ઘાટા બનાવે છે. બધી રંગ-પ્રકાશ-ધ્વનિની ખૂબી-ખામીઓ વચ્ચે આ જોનાર રંગમંચના એક છેડાથી બીજે અને બીજેથી પડદા પાછળ પોતાની સુજ્ઞ ભાવકતા સાથે આંટા-ફેરા કરતો રહે છે, ક્યારેક ધકેલાતો રહે છે. આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે આ જોનારને કહેવાય છે કે માત્ર અને માત્ર ગતિભાસ અને શ્વેત સમુદ્રોના અવાજને ઓળખો, તરવો અને અમને દેખાડો. બાકીના સૌ દૃશ્યોને ઓઝલ કરી દો. આ કવિને નિર્દેશતાં દૃશ્યોની જ જરા અંતરંગ પરિણતિઓને પ્રમાણો. તો ચાલો એમ કરીએ. પણ એક ખાનગી વાતની શરતે. અહીં કહેવાય કે ના કહેવાય પણ તમારે આ રંગમંચ અને એના પરદા પાછળની વાતને ભૂલવાની નથી.

હવે જૂઓ કે આ આટલી લાંબી સફરમાં આપણે કયા ગીતની વાત કરીએ અને કોને મૂકી દઇએ ? પરંતુ એનો અર્થ એવો નથી કે આ ગીતની વાત જ ના થઈ શકે. થાય, પૂરી સજ્જતા અને પૂરેપૂરો આભ્યાસ હોય તો. આપણે બહુ ગવાયેલી નરસિંહની બે.. ત્રણ પંક્તિઓ ગણગણતા હોઇએ એથી વિશેષ કાંઇ ખબર ન હોય, નરસિંહથી છેક દયારામ સુધી આવતા ૨૫૦ વર્ષમાં ગીતનું શું થયું કે દયારામથી ન્હાનાલાલ સુધીના સો-દોઢસો વર્ષમાં ગીત ક્યાં હતું તેની ખબર જ ન હોય તો સારી વાત એ છે કે આપણે જે કરતાં હોઇએ એ જ કરીએ.

અસ્તુ.

મૂળ પોસ્ટીંગ 22.1.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: