અઝીઝ કાદરી ~ અમસ્તી મારી મહેનત

🥀 🥀

*અંતિમ પ્રવાસે*

અમસ્તી મારી મહેનત પર ઘડીભર તો નજર કરજો,
કહું છું ક્યાં કદી હું કોઈને, મારી કદર કરજો.

તમે અશ્રુ બહાવી દુઃખમાં ના આંખોને તર કરજો,
મરદની જેમ જીવન જીવતા રહેજો, સબર કરજો.

તમે કંટાળશો ના ઠોકરોથી માર્ગની સહેજે,
ખુમારી સાથે હસતું મોઢું રાખીને સફર કરજો.

સુખે તો જીવવા દીધો નહીં, લોકો! મરણ વેળા,
મને માટીમાં ભેળવવા હવે ભેગું નગર કરજો.

કરે ફરિયાદ ના મિત્રો કે આમંત્રણ નથી આપ્યું,
અઝીઝ’ અંતિમ પ્રવાસે જાય છે, આજે ખબર કરજો.

~ અઝીઝ કાદરી (26.10.1932-9.10.2021)

2 thoughts on “અઝીઝ કાદરી ~ અમસ્તી મારી મહેનત”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *