અદી મિરઝા ~ તારું ઠેકાણું * Adi Mirza
🥀🥀
*તારું ઠેકાણું મળ્યું છે*
તારું ઠેકાણું મળ્યું છે જ્યારથી
હું મને શોધી રહ્યો છું ત્યારથી !
મારા હાથોમાં હવે શક્તિ નથી !
તું મને સંભાળ મારા સારથી !
આ તરફ પણ ઝાઝાં તોફાનો નથી
આવ તું આ પાર પેલે પાર થી !
તું હજી પણ નીચે ઊતરતો નથી ?
વાટ જોઉં છું હું તારી ક્યારથી !
જિંદગીનું સત્ય સમજાઈ જશે !
સાંભળો એકવાર અમને પ્યારથી !
સાર એમાંથીય નીકળી આવશે !
જે મળે લઈ લે હવે સંસારથી !
જિંદગીભર જે રડાવે છે ‘અદી’,
જાન લઈ લે છે એ કેવા પ્યારથી.
~ અદી મિરઝા (26.10.1928 – 1.3.2007)
મૂળ નામ – અદી જમશેદજી ડ્રાઈવર
ઉપનામ – અદી મીરઝાં
ગઝલસંગ્રહ ‘સાદગી’
ખૂબ જ સરસ ગઝલ
ખુબ સરસ ગઝલ ખુબ ગમી
સકળ શે’ર મર્મજ્ઞ છે.