*તડકો*
આ ઠરી ગયો શું તડકો !
નરમ નરમ પણ નથી ગરમ એ,
જરા જુઓને ! આંગળીએથી અડકો !
અંદર રંગીન ફૂલોવાળું,
પીળે કાચ મઢેલ સુંવાળું,
પેપર વેઈટ રચેલ રુપાળું,
કોના ટેબલ ઉપર દાબ્યા
કાગળીઆ શા ખડકો ?
હરિયાળી આ નીલ રકાબી,
ઉપર મેલી કેક ગુલાબી,
આસમાન ઝૂકે શું રુંવાબી.
મિજબાનીને મેજ આવીને
ચાખી જુઓને કડકો !
~ પિનાકિન ઠાકોર (24.10.1916 – 24.11.1995)
