જયંત પાઠક ~ ચાર કાવ્યો * Jayant Pathak

🥀 🥀

*અનુભવ ગહરા ગહરા* 
અનુભવ ગહરા ગહરા 
              નિશદિન આઠે પ્રહરા:
કોઈ બજાવત ઝાંઝ-પખાવજ, મૃદંગ ઓ’ મંજીરા!

ચલત ફિરત મેં અપની ગતમેં 
              ગજ સમ ડોલત શિરા,
જલમેં લહર, લહરમેઁ જલકા
              સુન સુન ગીત ગંભીરા!

ઊઠકર નાચન લગા ચરણ દો
               જ્યું નાચત હો મીરા,
મેહ ગગનમેં ધીરા, ચદરિયાં 
               ભીની ભયી કબીરા!

~ જયન્ત પાઠક (20.10.1920-1.9.2003)

🥀 🥀

*સંતો આપવખાણ ભલાં*

સંતો આપવખાણ ભલાં!
ભદંતો આપલખાણ ભલાં!

બોલ્યા વણ વેચાય ન બોરાં, બજારધારો જાણો;
ઊભી બજારે કરો-કરાવો બુલંદ જાહિરનામાં;

હાંક્યે રાખો બડું બડાશી ઘોડું
આપ મૂઆ વિણ સ્વર્ગ જવાશે થોડું!

કોઈ કહેશે ગરવ કરો છો, કોઈ કહે: ‘છો જુઠ્ઠા!’
દુનિયા બોલે, દિયો બોલવા, બનો ન બાઘા – બુઠ્ઠા;

વરની મા જો નહીં વખાણે વરને
તે બત્રીલખણાને સામે કોણ જઈને પરણે!

કેાઈ કહેશે: રહો મહાશય લખાણને કહેવા દો –
કહેવું આપણેઃ “લખાણુ બોલે!”– રહેવા દો, રહેવા દો!

એવું બધું તો વદે વાયડા
અમે ન ભોળા, અમે ભાયડા!

અમે લખીશું, અમે વાંચશું, અમે કરીશું શ્લાઘા
ભલે બીજા તૈયાર સોય લઈ ઊભા
અમે સિફતથી દેશું પરોવી એમાં અપના ધાગા !

~ જયન્ત પાઠક (20.10.1920-1.9.2003)

🥀 🥀

*દેવું નહીં*

કોઈને ના આપવું, લેવું નહીં,
મારે નામ દાન કે દેવું નહીં.

મૌન મારું – શાપ કહો વરદાન કહો,
એ પૂછે ના ત્યાં સુધી કહેવું નહીં.

છું સરોવર – બંધિયાર ભલે રહ્યો,
લુપ્ત થાવા રેતમાં વ્હેવું નહીં.

એવું તો ક્યાંથી બને આ લોકમાં,
ચાહવું ને દર્દને સ્હેવું નહીં !!

મૃત્યુથી યે આ અનુભવ આકરો,
જીવું, ને લાગે જીવ્યા જેવું નહીં.

~ જયન્ત પાઠક (20.10.1920-1.9.2003)

🥀 🥀

*મૃત્યુ*

જે જાણે તે જાણેઃ
મૃત્યુ એટલે કાચબો
ધીમે ધીમે ચાલીને એ હંમેશાં
સસલાને હરાવે છે.

મૃત્યુ એટલે સોનાનું પતરું
એ કાટથી ખવાતું નથી;
લખેલા અક્ષર
કદી ભુંસાતા નથી.

મૃત્યુ એટલે ફૂલ પર
ગણગણતો ભમરો નહિ;
મૃત્યુ એટલે મધમાખી
મૂંગીમૂંગી જે રચે મધપૂડો.

મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું
ફૂટ્યા વગર એના ગર્ભને
પામી શકાતો નથી.

~ જયંત પાઠક (20.10.1920-1.9.2003)

5 Responses

  1. Jigna Trivedi says:

    વાહ, કાવ્ય વિશ્વમાં કવિ શ્રી જયંત પાઠકના લાજવાબ ચાર કાવ્યો માણવા મળ્યા એનો ખૂબ આનંદ.

  2. ચારે ય કાવ્યો ખૂબ જ સુંદર, મનનિય છે.

  3. ખુબજ સરસ રચનાઓ ખુબ ગમી

  4. હરીશ દાસાણી.મુંબઈ says:

    પ્રથમ કાવ્ય કવિના મૃત્યુના બે દિવસ અગાઉ લખાયેલ પણ અદ્ભુત અદ્ભુત!દરેક કવિતામાં અલગ મિજાજ અને અલગ મજા.

  5. Minal Oza says:

    પહેલા કાવ્યમાં કહેવતોનો વિનિયોગ કવિએ સરસ પ્રયોજ્યો છે.
    મૃત્યુ માટે વિવિધ કલ્પનો સુપેરે પ્રયોજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: