અહમદ મકરાણી ~ ત્રણ ગઝલ * Ahamad Makarani
🥀 🥀
કોઈને જોયા હશે-ની યાદ છે,
મેળવી ખોયાં હશે-ની યાદ છે.
છે હરણની છાપ રણમાં તો હજી,
ઝાંઝવે ટોળાં હશે-ની યાદ છે.
ટેરવાંનાં તોરણો અટકી ગયાં,
સ્પર્શને પ્રોયાં હશે-ની યાદ છે.
આયનામાં ડાઘ કાજલનો હતો,
બિંબ ખુદ મોહ્યાં હશે-ની યાદ છે.
~ અહમદ મકરાણી (જ.5.10.1941)
🥀 🥀
માપ નીકળે ના અમારી રાવનું,
ગામ ભીતર છે વસેલું ઘાવનું.
ફ્રિઝમાં વાસી ક્ષણોની ભીડ છે,
કોઈ તાજું નીર લાવો વાવનું.
આ કિનારે મસ્ત મોજાં ગાય છે,
હે સમંદર, શું થયું એ નાવનું ?
સોગઠાં, ચોપાટ ફેંકીને ઊઠો,
કાળ સામે શું તમારા દાવનું ?
જિંદગી વીતી રહી છે રણ સમી,
કોઈ સરનામું મળે જો છાંવનું.
~ અહમદ મકરાણી
🥀 🥀
ક્ષણ, સદીનો ક્યાં ભરોસો હોય છે ?
જિંદગીનો ક્યાં ભરોસો હોય છે ?
ફળ અહીં એનું મળે ના યે મળે;
બંદગીનો કયાં ભરોસો હોય છે ?
આવશે તો ગેબી રસ્તે આવશે;
શાયરીનો કયાં ભરોસો હોય છે ?
અબઘડી વરસ્યા કરે છે, નાહી લો;
વાદળીનો કયાં ભરોસો હોય છે ?
તૂર ઉપર નૂર જોવા ક્યાં ગયા ?
આંખડીનો કયાં ભરોસો હોય છે ?
~ આહમદ મકરાણી
🥀 🥀
બધીજ રચનાઓ ખુબ સરસ ખુબ ગમી
સરળ શબ્દોમાં સરસ ગ્રઝલો.