ધીરુબહેન પટેલ ~ ગૃહલક્ષ્મીનો ગરબો * Dhirubahen Patel  

🥀 🥀

*ગરબે રમે*

એક એક આગિયાનો દીવડો લઈ હાથમાં
વનદેવી આજે ગરબે રમે,
વૃક્ષ સંગ વેલી ઝૂલે પ્રેમ ઘેલી
વનદેવી આજે ગરબે રમે
એક એક આગિયાનો દીવડો લઈ હાથમાં
વનદેવી આજે ગરબે રમે…

એક એક મોતીડાનો દીવડો લઈ હાથમાં
સાગર પરી આજે ગરબે રમે,
ઘેરાં ઘૂઘવે તરંગ સંગ ડોલે એનું અંગ
સાગર પરી આજે ગરબે રમે,
એક એક મોતીડાનો દીવડો લઈ હાથમાં
સાગર પરી આજે ગરબે રમે…

એક એક તારલાનો દીવડો લઈ હાથમાં
અંબર કન્યા આજે ગરબે રમે,
સ્વર્ગની ગંગાને તીર, ઉડે આછા એના ચીર
અંબર કન્યા આજે ગરબે રમે,
એક એક તારલાનો દીવડો લઈ હાથમાં
અંબર કન્યા આજે ગરબે રમે…

એક એક કોડિયાનો દીવડો લઈ હાથમાં
ગૃહલક્ષ્મી આજે ગરબે રમે,
જોવા માને પ્રસન્ન કરતી લળીને નમન,
ગૃહલક્ષ્મી આજે ગરબે રમે,
એક એક કોડિયાનો દીવડો લઈ હાથમાં
ગૃહલક્ષ્મી આજે ગરબે રમે…

~ ધીરુબહેન પટેલ

આજથી શરૂ થતી નવરાત્રિએ મા શક્તિને વંદન અને સૌને માટે આ પ્રિય ધીરુબહેનનો ગરબો.

3 Responses

  1. રેખા ભટ્ટ says:

    આ પણ ગરબો છે! વાહ ધીરુબેન ની અદ્ભૂત કલ્પના. 🙏🌹🌹

  2. વાહ ખુબ નવિનતમ ગરબો પ્રક્રુતિ થી પરમ તત્વ સુધી ની ઉદાત્ ભાવના નેવંદન

  3. આદરણીય સાહિત્યકાર ધીરુબહેન ને સ્મૃતિ વંદન. સરસ કલ્પન ગીત .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: