રમેશ પારેખ ~ બાપુએ કહ્યું

*બાપુએ કહ્યું*

ગાંધીજીની છબીવાળી ટપાલ ટિકિટની પછવાડે

મેં જીભથી થુંક લગાડ્યું

તો ટિકિટમાંથી ગાંધીજી સફાળા બોલ્યા,

અરે અરે થૂંક! પાણીને બદલે થૂંક!

ઓહો બાપુ! આ તમે બોલ્યા, આટલા વર્ષે ? – મેં પૂછ્યું

ગોબરા, ટિકિટ ચોડવા પાણી કેમ ન વાપર્યું ? – બાપુએ પૂછ્યું

પાણી કેવી રીતે વાપરું બાપુ?

અહીં ખાદીની ને ગાદીની છત છે, પણ પાણીની અછત છે

અહીં ભલભલી મૂછોનાં પાણીયે સુકાઈ ગયાં છે

લોકો પાણીની અવેજીમાં થૂંક વાપરીને

લાખો ગેલન પાણીની બચત કરે છે – મેં બચાવ કર્યો

તારા વચનોમાં ટીસ્યુ સંસ્કૃતિની ગંધ આવે છે ગોબરા

લાપસીમાં ઘી નખાય, ઘાસલેટ નહીં બાપુ તાડુક્યા

તમે મને ગોબરો કહો છો બાપુ,

પેલા ટપાલ ખાતાવાળા

તમારી છબી પર રદ્દીકરણના થપ્પા ઠોકીને

તમારું મોં કાળું કરે છે એનું કંઈ નહીં? – મેં નમ્રપણે કહ્યું

દીકરા, એ તો મારા પ્રિય દેશવાસીઓ

મારું મોં કાળું કરવા સુધીની આઝાદી ભોગવી રહ્યા છે તેની જાહેરાત છે

વાસ્તવમાં ટપાલખાતું તો મારું બ્યુટી પાર્લર છે

જ્યાં મારા ચહેરાની બ્યુટી ટ્રીટમેન્ટ થાય છે – બાપુએ ડિસ્કો હાસ્ય કર્યું

બાપુ વાતને આમ હસવામાં કાઢી નાખો મા – મેં નારાજીથી કહ્યું

ભાઈ હસવું… બસ જ્યારે ક્લેશનો કોઈ ઉપાય ન જડે

ત્યારે બધું હસી કાઢવું

બાપુ ગંભીર થઈ ગયા, બોલ્યા,

જો રોજરોજ સંદેશાની રાહ જોતા પ્રેમીજનોને,

સીમાડાની રક્ષા કરતા જવાનોની માતાઓને, બહેનોને, પત્નીઓને

સંતાન વિયોગે ઝૂરતા મા-બાપોને હું સુખથી ચબરખીયો વહેંચું છું

ટપાલ ટિકિટમાં બેસીને

મારા મૃત્યુ પછી પણ મારું જીવન કાર્ય

મનુષ્યને મનુષ્ય સાથે જોડવાનું અટક્યું નથી

મારા મોં પર પડતા રદ્ધીકરણના કાળા  થપ્પાઓ તો

કાળાં કાળાં ચુંબનો છે મારા વાલીડાઓના.

 મારી યતકિંચિત્ સેવાઓનો એ બદલો

બાપુએ વ્હાલથી મારી પીઠે હાથ પસવારતા કહ્યું

તું પણ આમાંથી કંઈ શીખ હવે.

~ રમેશ પારેખ

2 thoughts on “રમેશ પારેખ ~ બાપુએ કહ્યું”

  1. Kirtichandra Shah

    વાહ વાહ ક્યા ક્યા કહી દિયા.તુમને બાપુકા ઓઠા લેકે ❤️👌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *