🥀 🥀
*એ દિવસે*
એ દિવસે-
એણે મમ્મીનો દુપટ્ટો લીધો
અને એની સાડી પહેરી.
કપાળ પર મમ્મી કરે છે બરાબર એવો જ
મોટ્ટો લાલ ચટક ચાંદલો કર્યો.
-બરાબર નાની મમ્મી જ જોઈ લો.
પછી એણે બધી ઢીંગલીઓ ભેગી કરી
અને એનાં એ આખાં વિશ્વને
કપબૉર્ડમાં લૉક કરી દીધું.
હવે એની આમતેમ અટવાઈને પડેલી
ઢીંગલીઓ માટે
મમ્મીએ એને ખિજવાવું નહિ પડે.
કારણ-
હવે એને ઢીંગલીઓ કરતાં
સપનાંઓ સાથે રમવામાં વધારે મજા પડે છે…!
અને ફર્શ પર આમતેમ અટવાઈને પડેલાં સપનાં
મમ્મીને દેખાય થોડાં ?
જોકે-
લોહી જોઈને ચીસ પાડી ઊઠેલી,
તેર વર્ષની નાની અમથી ટબુકડીને
મમ્મીએ બાથમાં લીધી ત્યારે-
એનામાંની સ્ત્રીએ એ દિવસે ઉત્સવ ઉજવેલો
અને એનામાંની મમ્મી
એની અંદર જ ઢબુરાઈ ગયેલી ક્યાંક…!
પણ
હવે મમ્મીએ દીકરીને શીખવી દીધું છે-
આપણી આંખ સામે ખુલ્લી પડેલી દુનિયામાં
આપણાં જેવાં જ સારાં માણસો પણ છે જ…
અને મમ્મીએ
સારાં માણસો ઓળખી શકે
એવી પોતાની આંખો દીકરીને પહેરાવી પણ દીધી છે…!
અને એટલે જ-
હવે મમ્મી બહુ ખુશ છે
દીકરીને જન્મ આપ્યાના તેર વર્ષ પછી
એને એક નવી બહેનપણી મળી છે ને, એટલે…!
~ એષા દાદાવાલા
ગઝલના ભરચક શોરમાં સફળ, અસરદાર, ચોટદાર અછાંદસ કાવ્યો લખવાં સહેલી વાત નથી. અલબત્ત આવા સધાયેલા કવિઓ માટે સહજ ખરું. એક દુખતી રગ પકડીને કે પછી કે ક્યાંક ટકોરવા જેવું લાગે એ વિચારને કવિતામાં ઢાળી અંતે એક ભૂલી ન શકાય એવી વિશેષ અસર છોડી જાય એ અછાંદસ.
સહજ ભાષા એનું શસ્ત્ર અને સરળતા એનું શાસ્ત્ર. એટલે જ જો થોડીક સજાગતા સાથે વાંચીએ તો લોહી સોંસરવું એ વહેવા લાગે એ નક્કી.
આજ એષા દાદાવાળાના આવા કાવ્યો માણીએ. સ્વાસ્થ્યથી ભરપૂર કડવા કે મન ઠારતા મીઠા સ્વાદથી ભરપૂર આ કાવ્યોને કોઈ આસ્વાદિક નોંધની જરૂર નથી જ….

All very very Good
અછાંદસ ધારવા કરતાં અઘરી કાવ્ય કળા છે એમાં માહેર અને સ્ત્રીની સંવેદનાઓને સુંદર રીતે રજૂ કરી શકનાર કવયિત્રી એશા જીને અભિનંદન.