
🥀 🥀
*બહાર આવ*
જીતનો પ્રપંચ છોડી હારમાંથી બહાર આવ;
તું પ્રથમ તલવાર જેવી ધારમાંથી બહાર આવ.
મૂઢ મતિ, તું ક્યાં લડે છે કોઈ સામે અહીં હજી,
યુદ્ધ કર કાં યુદ્ધના પડકારમાંથી બહાર આવ.
એક પળને છે હજારો જીભ જાણે રાક્ષસી,
ભય બધો ખંખેર ને ફુત્કારમાંથી બહાર આવ.
કોઈ પડછાયો પડ્યો ને મોરપીંછું થઈ ગયો,
વન ભૂલી જા, વાદળી અવતારમાંથી બહાર આવ.
સૌમ્ય શીતળ આ હવામાં ક્યાંક પંખીઓ ઊડે,
આ સખત તારાં ભીડેલાં દ્વારમાંથી બહાર આવ.
ઊંચકી લે સ્કંધ પર બાળક સમો તડકો તરલ,
ને ઉંમરના સૌ જરઠ અધિકારમાંથી બહાર આવ.
તું કમળ મધ્યે રહીને ભેદ ક્યાં પામી શક્યો?
આ મુલાયમ રેશમી અંધારમાંથી બહાર આવ.
ક્યાં રહ્યો છે લાકડીમાં કોઈ જાદુ પણ હવે,
દેવદૂતોના એ કારાગારમાંથી બહાર આવ.
~ મહેન્દ્ર જોશી (28.9.1951)
‘બહાર આવ’ રદ્દીફ એક પડકાર અનુભવાય અને એ જ ગઝલનો મિજાજ છે. અને પડકાર મોટેભાગે લડવા માટે હોય, કશુંક કરવા માટે હોય. પણ અહીં ક્યાંક કશુંક નરમ નરમ, કૂણું કૂણું અનુભવાય છે. ઉંમરની જડતાને છોડી બાળક જેવા તરલ તડકાને સ્પર્શવાની વાત છે. જાતે સ્વીકારેલી કેદમાંથી સૌમ્ય શીતળ હવામાં ઊડતાં પંખીઓને નીરખવાની વાત છે. અને મન સાચી જ હળવું થઈને ઉડવા માંડે છે…. કવિએ વાસ્તવિકતા પણ ચીંધી છે. જાદુનો સમય હવે નથી રહ્યો અને અંધશ્રદ્ધા છોડવાની છે. કવિની કલમે ઘણું ઘણું આવરી લીધું છે.

કવિને જન્મ દિવસની શુભેચ્છા પાઠવું છું.
ખૂબ જ સરસ ત્રણે ય રચનાઓ. આપની આસ્વાદીક નોંધ પણ ખૂબ સરસ.