અદમ ટંકારવી ~ ચાર ગઝલ
🥀 🥀
*પરદેશમાં*
હક્કાબક્કા થઈ ગયા પરદેશમાં
પાણીછલ્લા થઈ ગયા પરદેશમાં
મુઠ્ઠી અજવાળુંય ખરચાઈ ગયું
ઝાંખાપાંખા થઈ ગયા પરદેશમાં
હોઠ ઉપર હાઈ હલ્લો રહી ગયું
ખાલી હોહા થઈ ગયા પરદેશમાં
વૉગ પાકી સાંભળી હસતા રહ્યા
સાવ નકટા થઈ ગયા પરદેશમાં
ભૂરી ભૂરી આંખો છલકાઈ ગઈ
શેખ પીતા થઈ ગયા પરદેશમાં
આપણો અસ્સલ કલર ઊડી ગયો
દાધારંગા થઈ ગયા પરદેશમાં
હા, વતનમાં આપણે અકબંધ હતા
કટકાકટકા થઈ ગયા પરદેશમાં
વર્ક વુમન વૅધરના ત્રિશંકુ ઉપર
લ્યો, લટકતા થઈ ગયા પરદેશમાં
દેશથી લૅટર્સ જે આવ્યા હતા
પીળચટ્ટા પીળચટ્ટા થઈ ગયા પરદેશમાં
હા, સ્પૅક્ટેટર્સ, બની આવ્યા હતા
ને તમાશા થઈ ગયા પરદેશમાં
ભરબપોરે આંખ આ ખુલ્લી અને
ડ્રીમ જોતા થઈ ગયા પરદેશમાં
કોલ્ડ વૅધરમાં કલમ થીજી ગઈ
હાથ ઘસતા થઈ ગયા પરદેશમાં
~ અદમ ટંકારવી
🥀 🥀
*લઈ ગઈ*
ગામ પાદર અને નદી લઈ ગઈ
ચૉક સાથે એ ચાંદની લઈ ગઈ
આપણા હાથમાં ચિચૂકો રહ્યો
છોકરી બધી આંબલી લઈ ગઈ
મારું દફતર ઉઘાડી એક પરી
પેન પાટી ને ચોપડી લઈ ગઈ
એક-બે વાત કાલીઘેલી કરી
કોરા કાગળ ઉપર સહી લઈ ગઈ
નીકળી ટી.વી.માંથી એક લલના
ઝૂંટવીને એ શાયરી લઈ ગઈ
જવું નો’તું મુશાયરામાં અદમ
આ ગઝલ જીદ કરી કરી લઈ ગઈ
~ અદમ ટંકારવી
🥀 🥀
*એક મુકામ છે*
બારાખડી વટાવ પછી એક મુકામ છે
ભાષાભવનને પાર ફકીરોનું ધામ છે
તમને અડ્યો ને ટેરવું ઝળહળ થઈ ગયું
નાની-શી એ ઘટનાનું હવે સૂર્ય નામ છે
એના વિચાર એની લગન એની ચાકરી
લઈદઈને આપણે તો હવે એ જ કામ છે
ઘર શૂન્ય ગામ શૂન્ય ને પીનકોડ શૂન્ય શૂન્ય
દીવાનગીનું તો ક્યાં કશું નામઠામ છે
તોબા કરી તો એનું પરિણામ જોઈ લ્યો
છે દિલ હવે સુરાહી અને આંખ જામ છે
સ્મશાનવત્ બજારો કબરવત્ ઘરો અદમ
લાગે છે કોઈ સંત વિનાનું આ ગામ છે
~ અદમ ટંકારવી
🥀 🥀
*વિસ્તાર છે*
જેટલો મોટેલનો વિસ્તાર છે
એટલો આ આપણો સંસાર છે
આ અમેરિકાનો જયજયકાર છે
એની થૂલી પણ હવે કંસાર છે
આપણો તાળો નથી મળતો પટેલ
એક પટલાણી ને સપનાં ચાર છે
આમ તો કંઇ પણ ફકરચંત્યા નથી
તોય માથા પર આ શાનો ભાર છે
અઁઈનો પિઝા કે વતનનો રોટલો
એ બધી ચર્ચા હવે બેકાર છે
ચોંપલી ના થા ને સીધી કોમ કર
આજ કંઈ સન્ડે નથી બુધવાર છે
મારું હાળું એ જ હમજાતું નથી
આપણી આ જીત છે કે હાર છે
ઉપર ઉપરથી બધું ય ચકચકિત
કિન્તુ અંદરથી બધું બિસ્માર છે
આપણે પણ દેશભેગા થઈ જશું
છોડી પૈણી જાય એની વાર છે
અહીંયાં એની બોનને પૈણે, અદમ
ક્યાં કોઈને આપણી દરકાર છે
~ અદમ ટંકારવી
Vaaaah…… ખુબ સરસ
વિસ્તાર છે ફરી ફરીને માણવાની ગમતી રહે છે. “ચોંપલી ના થા…”દરેકને હસાવે…
સરયૂ પરીખ
વાહ, સરસ ગઝલોનું સંકલન. કવિ ડાયસ્પોરા શાયર તરીકેની ઓળખ આપે એવા શબ્દોનું ચયન છે.