અદમ ટંકારવી ~ છે ફક્ત રિસામણું 

🥀 🥀

*દાવો નથી*

છે ફક્ત રિસામણું ઝઘડો નથી
આ ગઝલ ડૂસકું જ છે ઠૂઠવો નથી

કોઈ બાળક થાય રાજી જોઈને
એટલો ભોળો કોઈ ચહેરો નથી

પાવા ક્યાં વાગે છે મારા શ્વાસમાં
તારી આંખોમાં હવે મેળો નથી

તળિયાઝાટક છે ઉમંગો એમના
ને અમારો હર્ષ તો માતો નથી

હસતાંહસતાં એને પી નાખો હવે
ઘૂંટડો કંઈ એટલો કડવો નથી

ચોરપગલે પંડમાં પાછા વળો
એ વગર બીજો કોઈ રસ્તો નથી

કોઈ મુશ્કેટાટ બાંધે છે મને
આ ગઝલ લખ્યા વગર છૂટકો નથી

કહેવા સુણવાનો જ લ્હાવો છે અદમ
શબ્દ કેવળ શબ્દ છે દાવો નથી

~ અદમ ટંકારવી (27.9.1940)



5 thoughts on “અદમ ટંકારવી ~ છે ફક્ત રિસામણું ”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    અદમ ટંકારવીનો અલગ અંદાજ,અલગ મિજાજ

  2. ગઝલને માફક એવો મિજાજ સાથે ત્રણે ગઝલ ઉતરી આવી છે.અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *