*અમારા ‘ક્લાસ-ટીચર’*
વીસ વરસ પછી
આજે અમારા ‘ક્લાસ-ટીચર’ મળી ગયા.
સ્હેજ વીલું મોં, પ્રાણ વિનાનાં પગલાં
જૂનો કોટ,
શાળાની નોકરીએ
એમને આટલો જ વૈભવ આપ્યો છે.
હવે ‘રીટાયર્ડ’ થયા છે.
સિંહ જેવો એમનો રોફ હતો.
એમનો અવાજ નહીં,
એમની ત્રાડ આખા ક્લાસને ધ્રુજાવતી
એ અમને ઊભા કરતા
ને અમે પાટલૂનમાં થરથરતા.
એક દિવસ ખરાબ અક્ષર માટે
એમણે મને હાથ પર ફૂટ મારેલું
તે હજી યાદ છે.
મને ઢીલા અવાજે કહે,
“તને તો ખબર છે
મારા અક્ષર સુંદર અને મરોડદાર છે,
અને હું
હિસાબના ચોપડા પણ લખી શકું છું.
તારી ફેકટરીમાં… ”
~ વિપિન પરીખ

શિક્ષકની દારુણ દશા એ આજની વાસ્તવિકતા છે.
દાસી જીવણનું ભજન ભક્તિની પરાકાષ્ઠા દર્શાવે છે.
ધન્યવાદ.
શિક્ષકનું ગૌરવ ન જાળવનાર સત્તા અને સમાજને જોરદાર તમાચા જેવું વિપિન પરીખનું કાવ્ય
શિક્ષકનું વરવું ચિત્ર એક સંવેદનશીલ આંચકો આપી જાય છે. બીજું ગીત માર્મિક ભક્તિ રચના. વંદન.