સાહિલ ~ આઠે પ્રહરનું રાવણું

🥀🥀

*સરવાળે શૂન્ય છે*

આઠે પ્રહરનું રાવણું – સરવાળે શૂન્ય છે,
વિરાટ હો કે વામણું – સરવાળે શૂન્ય છે.

પાછળ છે સજ્જ લશ્કરો અંધારનાં અપાર
આ સૂર્ય જેવું તાપણું – સરવાળે શૂન્ય છે.

જીવન મળ્યું છે જીવવા તો મોજથી જીવો
થોડુંક હો કે હો ઘણું – સરવાળે શૂન્ય છે.

આ ઘરનો ઝળહળાટ છે ઊછીના તેજથી
થાતાં જ બંધ બારણું – સરવાળે શૂન્ય છે.

અજ્ઞાનમાં ડૂબું યા તરું જ્ઞાન-સાગરે
જગને ભણાવું યા ભણું – સરવાળે શૂન્ય છે.

પડછાયો મારો પણ કદી મારો નથી થયો
ખુદને ગણું કે અવગણું – સરવાળે શૂન્ય છે.

સાહિલ’ હું મર્મ આયખાનો જાણી શું કરું
સોહામણું – બિહામણું – સરવાળે શૂન્ય છે.

~ સાહિલ (29.8.1946 – 27.1.2024)

કવિ સાહિલ નું મૂળ નામ પ્રવીણભાઈ શામજીભાઈ ચૌહાણ.

50 વર્ષ સતત નિરંતર ગઝલનું સર્જન કરતા કવિ સાહિલ ગુજરાતીની સાથે હિન્દીમાં પણ અનેક ગઝલ લખી છે. આના માટે તેઓ ઉર્દુ શીખ્યા.

5 thoughts on “સાહિલ ~ આઠે પ્રહરનું રાવણું”

  1. Kirtichandra Shah

    બને રચનાઓ સુંદર અને ભાવવાહી છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *