
🥀🥀
*દીકરીનું વહાલ*
દીકરીનું વહાલ એમ છલકાતું જાય જેમ મોજાંથી છલકાતો દરિયો.
વળીવળીને કૈંક ભીંજવે કિનારા ને તોય એ તો ભરિયો ને ભરિયો
પાંચીકા, કૂકાટી ખણખણતા રોજ અને રણઝણતી ઝાંઝરીઓ જાગે
ખિલખિલતા મોગરાની મઘમઘતી મહેક લઈ ટહુકા ચાલ્યા છે ક્યાંક આઘે
પાપાપા પગલીથી રૂમરૂમતી ચાલ તણી કેડીથી રસ્તો વિસ્તરિયો…..
ખોરડાના ખૂણામાં ખાલીપો આજ આમ ડૂસકાં ભરતો મેં તો દીઠો
ખોવાયો ક્યાંક જઈ ટહુકો જે રોજ રોજ ગૂંજતો’તો કાન મહીં મીઠો
બારણિયે ઝૂલંતા ઝૂમ્મર ને તોરણના ટાંકાએ ટહુકો સંઘરિયો….
આંગણમાં રંગોની ભાત રોજ શોભતી એ ભાત આજ લાગે કાં ઠાલી!
જોતી’તી વાટ એ જ આંગણમાં સાંજ ઢળ્યે આજ સાંજ લઈને એ હાલી
પરવત છોડીને આજ પારવતી જાતી કે દરિયો લઈ એને સંચરિયો
દીકરીનું વહાલ એમ છલકાતું જાય જેમ મોજાંથી છલકાતો દરિયો
~ કીર્તિદા બ્રહ્મભટ્ટ
દીકરીના વ્હાલની કવિતાઓ લખાઈ છે અને લખાતી જ રહેશે કેમ કે એ વિશ્વની એક અદભૂત સંપદા છે જે ક્યારેય ખૂટવાની નહીં. દુનિયામાં ગમે ત્યાં જાવ, આ દરિયો મળવાનો જ.
**

બંને મજાના ગીતો.
સર્જકને સાદર સલામ.
દિકરી અને હરિ ઉપર ઘણી રચનાઓ થઈ છે. બંને રચનાઓ શિરમોર છે.
ખુબ સુંદર રચનાઓ