🍀
*કોને ખબર ?*
પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?
શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?
શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?
સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?
માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?
મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?
~ રમેશ પારેખ

ખૂબ જ જાણીતી ર પા ની ગઝલો માણવાની મજા પડી. સ્મૃતિ વંદન.