સંજુ વાળા ~ બે ગઝલ

🌸
*ભૂલી ગયો છે*
ગરબડ ‘ને ગોટાળામાંથી
બહાર નીકળવું ભૂલી ગયો છે
માણસ ધોળા-કાળામાંથી
બહાર નીકળવું ભૂલી ગયો છે
ગલી ગલીનું બચ્ચેબચ્ચું
પોપટ પોપટ કહી પજવે છે
કોઇ બિચારો માળામાંથી
બ્હાર નીકળવું ભૂલી ગયો છે
ઘરથી મંદિર, મંદિરથી ઘર;
સર્કિટ જેવું જીવ્યા કરે છે
એ માણસ કુંડાળામાંથી
બહાર નીકળવું ભૂલી ગયો છે
રાતું – પીળું ગાતા એક
ફકીરનું નિદાન થયું કે –
ગુલમ્હોર – ગરમાળામાંથી
બહાર નીકળવું ભૂલી ગયો છે
જોશી-જાદૂગરના ચરણે
પરખ-પાસવર્ડ શોધે છે, એ-
ભીતર ભીડ્યા તાળામાંથી
બહાર નીકળવું ભૂલી ગયો છે
નથી જવાતું ઉપર કે ના
પાછો નીચે ફરી શકે છે
વિકટ કોઇ વચગાળામાંથી
બહાર નીકળવું ભૂલી ગયો છે
પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથના
સામે પલ્લે ગઝલ મૂકી, તું
સમજણ નામે શાળામાંથી
બહાર નીકળવું ભૂલી ગયો છે
ખબરદાર, આ ચેતવણી છે :
સ્હેજે ના અનુસરશો એને
સંજુ, સંજુ વાળામાંથી
બહાર નીકળવું ભૂલી ગયો છે
~ સંજુ વાળા
મશીન જેવું જીવન જીવતા માનવીની કથા….. જીવન જીવવાનો આનંદ ખોઈ બેઠા માણસની વ્યથા….. કેમ જીવવું ? – નો જવાબ ભૂલી ગયેલા ઈન્સાનની કહાની….. સ્વાર્થ ખાતર તમામ નીતિ-નિયમો નેવે મૂકી ચૂકેલા આદમીની વાર્તા……
🌸
*ત્રુઠા… ત્રુઠા*
વિચારને વલોવી કરે પ્રયત્ન જૂઠા
એ તીર હોય તો પણ છે જન્મજાત બૂઠાં
જરાક ઝીણવટથી તું કાન માંડી જો, તો
તનેય સંભળાશે બબડતાં બેઉં પૂઠાં
જગત છે કાચનું ઘર, સૌ ચીજ કાચની આ-
છે પોત તારું – મારું ય કાચ મુઠ્ઠેમૂઠા
હો પાંખની પ્રતીતિ ‘ને આભ માટે ઝંખા
હું શોધવાને આવ્યો છું પંખી એ અનૂઠાં
સ્વભાવગત્ ફકીરી મિજાજનો મહોત્સવ
એ રેવડી ય પામીને બોલે ત્રુઠા… ત્રુઠા
~ સંજુ વાળા
ચાહે કવિતા કે બીજું કશુંય… જ્યારે સહજ ન હોય ત્યારે એ કૃત્રિમતા બુઠા તીર જેવી બની રહે છે…. બસ આ વિચારથી આ મિજાજથી ગઝલ શરૂ થાય છે ને ઉત્તમ શેરની હાર ઉતરે છે…. ભાવક ત્રુઠા ત્રુઠા ….
જુઓ કવિ પરિચય
જન્મ દિવસની શુભેચ્છા પાઠવું છું.
ખુબ સરસ રચનાઓ 👌🏻👌🏻👌🏻
પ્રિય કવિશ્રી સંજુવાળાની બંને ગઝલો ઉત્તમ ! કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ
પ્રફુલ્લ પંડ્યા
બન્ને ગઝલ ખુબ સરસ કવિ શ્રી ને જન્મદિવસ ની શુભ કામના
૧૧ જુલાઈ ના અંક માં કવિ શ્રી સંજુ વાળા ની ઉતમોતમ ગઝલો માણવાની મજા આવી. બધી જ સંઘેડાઉતાર. આભાર. અહીંયા આવ્યા ત્યારે એમને સાંભળ્યા છે. આભાર કાવ્ય વિશ્વ
ખૂબ જ ઉત્કૃષ્ટ ભાવની બંને ગઝલો. બીબાં ઢાળ જિંદગી જીવતો માનવી.
વિશિષ્ટ ભાષા પ્રયોગો તથા અલગ લહેકો લઈ આવતી મનમોહક ગઝલો