સંજુ વાળા ~ જીવાડશે * આસ્વાદ સુરેન્દ્ર કડિયા * Sanju Vala * Surendra Kadia
કોઈને સુખ કોઈને ન્યોછાવરી જીવાડશે
અમને કવિતા નામની સંજીવની જીવાડશે
અણસમજ, ભમરાની યજમાની કરી
જાત ઓઢાડી કમળદળ-પાંખડી જીવાડશે
શું વધારે જોઈએ ? એક કાળજી જીવાડશે
લખ અછોવાનાં બરાબર લાગણી જીવાડશે
હાથમાં હિંમત નથી’ને પગ તો પાણી પાણી છે
તો હવે શ્રદ્ધાની ટેકણલાકડી જીવાડશે
સાચાં-ખોટાંના બધાંયે ભેદ તો સાપેક્ષ છે
શિર સલામત નહિ રહે તો પાઘડી જીવાડશે
શું લખું ? ક્યા શબ્દની આરાધના કેવી કરું ?
ક્યાં ખબર છે ? કઈ રીતે બારાખડી જીવાડશે
ચાલ, થોડી લીલી-સૂકી સાચવીને રાખીએ
કૈં નહીં તો એ સ્મરણ, એ દાબડી જીવાડશે
~ સંજુ વાળા
*આસ્વાદ ~ સુરેન્દ્ર કડિયા*
જીવવા માટે કવિને કઈ કઈ સામગ્રી ખપવગી બની રહેશે, એનું સુંદર ચિત્ર સાત શેરમાં કવિ રજૂ કરે છે. અહીં જીવાડશે, એટલે કે મૃત્યુની સામે એકદેશીપણે જીવાડવાની વાતને ક્યાંય પાછળ રાખીને, જીવતા હોઈએ છતાં પણ જીવાડવા માટે શું શું ઉપયોગી થઈ શકે, એનું ઉત્કૃષ્ટ બયાન લઈને કવિ આપણી સમક્ષ આવે છે.
ગઝલના ત્રણ મત્લામાંનો પ્રથમ મત્લા જુઓ,
કોઈને સુખ કોઈને ન્યોછાવરી જીવાડશે
અમને કવિતા નામની સંજીવની જીવાડશે
અહીં કવિ જીવનની બે અતિસ્વીકૃત તત્ત્વદર્શિતાઓ, ત્યાગ અને ગ્રાહ્યનો સુપેરે છેદ ઉડાડે છે. જીવી જવા માટે કોઈને સુખ, એટલે કે ગ્રાહ્ય અને કોઈને ન્યોછાવરી, એટલે કે ત્યાગ કામ લાગશે, પણ કવિની તાક એ બે ઉપર નથી. ક્યાંક ત્રીજે છે. કવિને તો માત્ર કવિતા નામક સંજીવની જ ખપ લાગશે. આ વાત જબરદસ્ત એટલા માટે છે, કે કેટલાંય પ્રકારના નેતરાંથી વલોવી, મંથન કરી, કેટલાં બધાં વાનાં, વિષ સહિતનાં નીકળ્યા બાદ સૌથી છેલ્લે, આ કવિતા નામની સંજીવની અમને પ્રાપ્ત થઈ છે. એટલે, અન્યને માટે જે હોય તે, પણ અમને જીવાડવા માટેની જડીબુટ્ટી તો આ કવિતા નામે સંજીવની છે.
પ્રથમ મત્લામાં જીવનની છટાદાર ફિલોસોફીની એક નૂતન એવેન્યુ તાદૃશ કરી આપ્યા બાદ, કવિ ભાવકને બીજા મત્લામાં નજાકતીય (delicate) મખમલના આછેરા સ્પર્શની પ્રતીતિ કરાવે છે.
અણસમજ ભમરાની યજમાની કરી
જાત ઓઢાડી કમળદળ-પાંખડી જીવાડશે
કવિ ભમરાને અણસમજુ અતિથિ સ્થાપિત કરી, કમળ પાસે પોતાની જાતરૂપી દલપાંદડી ઓઢાવડાવી, “અતિથિ દેવો ભવ”ની ભાવનાનો જયજયકાર કરાવે છે. અહીં કમળની “વન નાઈટ યજમાની” બેમિસાલ છે, કેમ કે, પ્રભાતે તો હસ્તીઝુંડ દ્વારા ભમરાનો અને કમળનો કચ્ચરઘાણ થઈ જવાનો છે ! એટલે આ સુંવાળી યજમાની ભમરાને એક રાત જેટલુંય જીવાડશે, એનું માહાત્મ્ય અહીં નિરૂપાયું છે.
ત્રીજો મત્લા પ્રશ્ન લઈને આવે છે, કે જીવનમાં અંતઃકરણપૂર્વકની કાળજીથી વધારે શું જોઈએ ?
શું વધારે જોઈએ ? એક કાળજી જીવાડશે
લખ અછોવાનાં બરાબર લાગણી જીવાડશે
કવિ આ ત્રીજા મત્લામાં સંતોષનો ઓચ્છવ આદરી બેઠા છે. વધારે શું જોઈએ ? ભૌતિક સુખોની તો કોઈ વાત નથી. પણ પ્રેમ, હૂંફ અને હેતના બારામાં પણ કવિનું અંતઃકરણ “અતિ”માં રાચતું નથી. નો ક્વોન્ટીટી, બટ ક્વોલિટી. એક લાખ અછોવાનાંની સામે હૃદયની શુદ્ધ ભાવયુક્ત એક નાની શી લાગણી જ, એક કાળજી જ કવિને જીવાડી જશે. જીવવા માટે એનાથી વધુ શું જોઈએ ? વાહહ !
ચોથા શેરમાં કવિ લાચારી સામે શ્રદ્ધાની વિજયપતાકા લહેરાવે છે.
હાથમાં હિંમત નથી ‘ને પગ તો પાણી પાણી છે
તો હવે શ્રદ્ધાની ટેકણલાકડી જીવાડશે
હસ્ત હિંમતહીન ને પગ વજૂદ વગરના થઈ ગયા છે, તેવે સમયે એક શ્રદ્ધા રૂપી ટેકણલાકડી જ પાર ઉતારશે, એવી શ્રદ્ધા, એવી ખુમારી અહીં પ્રગટાવાઈ છે. એ નોંધનીય છે, કે અહીં શ્રદ્ધા એક વ્યાપક સ્વરૂપે પ્રયોજાઈ છે, એ શેની શ્રદ્ધા છે, એ ગોપનીય રખાયું છે. એ પ્રેમિકાય હોય, કવિતાય હોય, પ્રભુપ્રીતિય હોય, કે ગમે તે હોય, પણ એ શ્રદ્ધાની ટેકણલાકડી જ જીવાડશે એવો ભાવ અહીં અભિપ્રેત છે.
પાંચમા શેરમાં કવિ આઈન્સ્ટાઈનની સાપેક્ષતા કેવી રીતે સાચા-ખોટાંના ભેદને લાગુ પડે છે, એ નિરૂપે છે.
સાચાં-ખોટાંના બધાંયે ભેદ તો સાપેક્ષ છે
શિર સલામત નહિ રહે તો પાઘડી જીવાડશે
વ્યક્તિની આબરૂ કહો કે વ્યક્તિની પ્રતિષ્ઠા, એજ તેના અસ્તિત્વ સામે બળવત્તર બની રહેવાની. જો અસ્તિત્વ જોખમાયું હશે, શિર જવાની જ નોબત આવી હશે ત્યારે તેની પાઘડી, એટલે કે પ્રતિષ્ઠા જ વ્યક્તિને બચાવશે અને જીવાડશે. પછી, એ પ્રતિષ્ઠા વિશે કોઈ આમ કહે કે તેમ, એનું મૂલ્ય પાઘડીની રિયાલિટી આગળ રિલેટિવ બની જશે. અહીં સાપેક્ષતાનો મહિમા વર્ણવી, સાચા-ખોટાના ભેદને ગૌણ ભૂમિકાએ સ્થાપિત કરાયા છે.
છઠ્ઠા શેરમાં સ્વ-સર્જકતાની અનુભૂતિનો સ્વગતોચ્ચાર સંભળાય છે.
શું લખું ? ક્યા શબ્દની આરાધના કેવી કરું ?
ક્યાં ખબર છે ? કઈ રીતે બારાખડી જીવાડશે
શું લખું ? કયો શબ્દ કેણી પેરે ઉપાસું ? કંઈ કેટલાય શબ્દો વડે અત્યાર સુધી તો જીવાયું, પણ હવે ? આ અવઢવ કવિને છેક બારાખડીની અનિશ્ચિતતા ભરેલી શરણાગતિ તરફ અગ્રેસર કરી મૂકે છે. એ છતાં, એ રીતે જીવી શકાશે કે કેમ એવી ભીતિ તો સેવાય છે જ.
છેલ્લો, સાતમો શેર, જાણે કે સાતમો કોઠો વીંધવાની યુક્તિ લઈને આવે છે.
ચાલ, થોડી લીલી-સૂકી સાચવીને રાખીએ
કૈં નહીં તો એ સ્મરણ, એ દાબડી જીવાડશે
જે થયું તે થયું, સારું, નરસું, સફળ, નિષફળ, એ બધીય આપવિતકકથાઓ સંઘરી રાખું, જેથી કરીને બીજું કાંઈ કદાચ કામ ન આવે તો તેનું સ્મરણ, એ દાબડી જીવવામાં ઉપયોગી થઈ પડશે. અહીં કોઈનો બોધ કે ઉપદેશ નહિ , પણ પોતાની અંગત બાબતો જ અનેરી સહાય પુરી પાડશે, એવો આત્મવિશ્વાસ છલકાય છે. અભિવ્યક્તિની જીવંતતા જુઓ,
કૈં નહીં તો એ સ્મરણ, એ દાબડી જીવાડશે..
આ ગઝલની રચના-રીતિ પણ તલસ્પર્શવા યોગ્ય છે. ફોર્મેટ ગઝલનું છે, પણ જીવન-મૂલ્યોની અસામાન્ય ઊંચાઈ તાકીને અણિશુદ્ધ કવિતા બનાવવાનો અદ્વિતીય પુરુષાર્થ અહીં સંગોપાયો છે. આ કવિની અન્ય ગઝલોમાં જેમ હું, તું, તમે વચ્ચેના અતિ-પ્રયુક્ત સંવાદીય શેર નથી હોતા, એ રીતે અહીં પણ એ જોવા નહીં મળે. બલ્કે સમષ્ટિગત ભૂમિકાએ લાગુ પડતી માનવીય ચેતનાનો ઉદ્દઘોષ જ પડઘાતો અનુભવાશે. સજ્જ અને સચેત સર્જક જ સ્વયં-શિસ્ત પ્રયોજીને આવી “નિરાકાર”માં ગુંજતી દુન્દુભિઓ વગાડી શકે.
અંતે કહેવું ઘટે કે જીવનની જમીની વાસ્તવિકતાઓ સાથે ‘ઘરોબો કેળવેલ’ હોય તો જ સર્જકતા આવી આસમાની ઊંચાઈ પ્રક્ષેપી શકે.
અસ્તુ.
સુરેન્દ્ર કડિયા
ખૂબ ખૂબ સરસ ગઝલ..
આસ્વાદ અપ્રતિમ..
ખુબ સરસ રચના નો ઉત્તમ આસ્વાદ બન્ને કવિ ઓને અભિનંદન
ખૂબ સરસ. બેઉ પલ્લાએ સમાન અભિનંદન 🎊🎊
ગઝલ તો સુંદર છે જ.સાથે સુરેન્દ્ર કડીયાનો આસ્વાદલેખ સોનામાં સુગંધ છે.