હરીન્દ્ર દવે ~ બે ગઝલ * Harindra Dave
1.
*જુદાઈનો રંગ*
આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે.
ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો,
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે.
છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં,
જોઈ શકો તો જો જો, કે સાકીનો રંગ છે.
બદલ્યા કરે છે રંગ ગગન નિત નવા નવા,
આદિથી એ નો એ જ આ ધરતીનો રંગ છે.
કોઈ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો,
કહેતું’તું કો’ક એમાં ખુદાઈનો રંગ છે.
~ હરીન્દ્ર દવે
2.
*રહેવાય નહીં*
આમ એવી શૂન્યતા છે કે હવે રહેવાય નહીં ,
તારી યાદ આવે ને જીવી જાઉં તો કહેવાય નહીં.
આ અરીસાના બધા ટુકડા વીણો તો શું થશે ?
ત્યાં જે દેખાતો હતો ચહેરો હવે દેખાય નહીં.
હું તો અવળે માર્ગ ચાલુ છું હવે હાથે કરી,
તું ન ધારે ત્યાં સુધી તારા લગી પ્હોંચાય નહીં.
હું સુરાલયમાં તો મારા પાયને વાળી શક્યો,
કેવું આ કે હાથે પ્યાલો છે ને હોઠે જાય નહીં.
એથી તારા સાથનો મહિમા વધી જાતો હશે,
ચાલનારો હું,છતાં મારા સુધી પ્હોંચાય નહીં.
તું ભલે મઝધારનું તોફાન માનીને ઝૂઝે,
ને કિનારે નાવ પહોચી જાય તો કહેવાય નહીં.
~ હરીન્દ્ર દવે
👌👌👌👌
બન્ને ગઝલ ઉત્તમ.
વાહ બન્ને ગઝલ ખુબ સરસ
વાહ, ખૂબ જ સરસ ગઝલાભિવ્યક્તિ. લતાજી આપનું કાવ્ય ચયન ખૂબ જ સરસ હોય છે.
ગીતના ગાયક એવા હરીન્દ્રભાઈએ ગઝલ પણ સરસ લખી છે આનો આનંદ છે.
સરસ રચનાઓ 👌🏻👌🏻