કવિએ ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં લીધેલું. ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. તથા એમ.એ. થયેલા. ઘાટકોપર(મુંબઈ)ની ઝુનઝુનવાલા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક નિમાયા હતા.
196૦ની આસપાસથી એમનું કાવ્યલેખન આરંભાયેલું, કવિતામાં પોતાની આગવી મુદ્રા ઉપસાવી શકે એવું સર્જન થવાની આશા બંધાઈ એ જ વખતે માત્ર 27 વર્ષની વયે ટૂંકી માંદગીમાં અવસાન પામ્યા. મણિલાલે છાંદસ–અછાંદસ–ગદ્યકાવ્ય–ગઝલ અને ગીત જેવાં કાવ્યરૂપોમાં કામ કર્યું છે.
આધુનિકતાનો આ ગાળાનો મિજાજ મણિલાલની અછાંદસ રચનાઓમાં ને ગદ્યકાવ્યોમાં દેખાય છે. નગરજીવનની કઠોરતા અને મૂલ્યહ્રાસને વર્ણવતી એમની પ્રયોગશીલતા ધ્યાનપાત્ર બનેલી. એક ગીતકવિ તરીકે એમની સફળતા વધારે ધ્યાનપાત્ર છે. પ્રલંબ લયમાં તળ પ્રકૃતિનાં વિવિધ તત્વોને રૂપબદ્ધ કરવાં; ગોપજીવનનાં પ્રેમસંવેદનોને તળભાષામાં અને સુસંવાદી લયમાં આલેખવાં ઇત્યાદિ કાવ્યગુણોથી એમની ગીતકવિતા સમૃદ્ધ છે.
અંધકાર વિશે એમણે કેટલીક વિલક્ષણ રચનાઓ આપી છે. એટલે એમને ‘અંધકારના કવિ’ તરીકે ઓળખવામાં આવે છે. તાજગીવાળી અભિવ્યક્તિ, નવતર પ્રતીકો–કલ્પનો, રચનાવિધાનમાં પ્રયોગશીલતા જેવાં નવી કવિતાનાં ઠીક ઠીક લક્ષણો ‘રાનેરી’માં પણ પમાય છે. ‘રાતવન’, ‘અંધારું’ જેવાં લયબદ્ધ કાવ્યો, ‘બાને’ જેવું સૉનેટ અને ‘બોલ વાલમના’ જેવું લોકહૈયે વસી ગયેલું એમનું ગીત તેમની સર્જકતાના શ્રેષ્ઠ ઉન્મેષ દર્શાવે છે.
જયંત પારેખના સંપાદન રૂપે એમનો મરણોત્તર અને એકમાત્ર કવિતા-સંગ્રહ ‘રાનેરી’ 1968માં પ્રગટ થયો.
મણિલાલ ભગવાનજી દેસાઈ
જીવન : જ.19.7.1939 ગોરગામ, વલસાડ – અ. 4.5.1966
સૌજન્ય : ગુજરાતી વિશ્વકોશ
સારું જાણવા મળ્યું. કવિની સંવેદના, ચેતનાને વંદન.
સાદર સ્મરણ વંદના.