આપણી જુદાઈ
આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી…
ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન ફૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કોળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી…
જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પત્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનમૂન
ધેનુની આંખનું હું પાણી…
~ મનોજ ખંડેરિયા

વાહ, વાહ સરસ ગીત અને ગઝલ બંને.
ગીતમાં અહલ્યાનો ને કદંબના ઝાડ નીચે બેઠેલી ગાય નો સંદર્ભ સાર્થક બન્યો છે
ગઝલ પણ સરસ છે.
સરસ રચનાઓ
બંને રચનાઓ સુંદર.
“એકલી કદંબ હેઠ બેઠેલી સૂનમૂન
ધેનુની આંખનું હું પાણી… ”
સરયૂ પરીખ.