ભગીરથ બ્રહ્મભટ્ટ ~ આકળવિકળ તરસ તડપતી * Bhagirath Brahmabhatt
તડકો
આકળવિકળ તરસ તડપતી ધખ ધખ પડતો તડકો,
આકાશેથી અગ્નિધારે વરસે ભડભડ ભડકો!
લાંબા ભાલા દિવસ વીંધતા, વીંધે લાંબી રાત,
જડચેતનની કાયા ઉપર, તરસ રંગની ભાત!
જળની જેમ જ વહેવા માંડી કાળી કાળી સડકો!
વ્હાણાં ધીખે પાણા ધીખે, વહેતો વા’ પણ ધીખે,
જીવ હાંફતો ઓઠાં ખોળે, લ્હાય વરસતી લૂની બીકે,
ઝાડ છાંયના તરણાં ઝંખે લ્હાય લ્હાય થઈ બળતા ખડકો.
માળે બેઠી પાંખો હાંફે, સવાર ઉકળે જબ્બર બાફે
તળાવની માછલડી હાંફે, લાલચોળ સૂરજની સાખે !
સતી સળગતી મુખમાં મેલી એક હળાહળ સત-સબડકો!
~ ભગીરથ બ્રહ્મભટ્ટ
હવાના હજી ભારે ગરમાટા વચ્ચે હવે ગ્રીષ્મની વિદાય સામે દેખાઈ રહી છે, ત્યારે એક મજાનું ગ્રીષ્મનું ગીત માણી લઈએ.
સુંદર ગ્રીષ્મગીત.
અક્ષરાનુપ્રાસની ખૂબ સરસ ગીત રચના.
ખૂબ સરસ શબ્દ ચયન ગ્રીષ્મ ગીત
ગ્રીષ્મનું આ ગીત અંતની પંકિતમાં તો પુરાણ-કથાના સંદર્ભ-દક્ષના યજ્ઞમાં વગર આમંત્રણે ગયેલ સતીના અગ્નિપ્રવેશ-સાથે ધોમધખતી ગરમીના ચિત્રો જોડીને અનોખું કવિકર્મ સિદ્ધ કરે છે.
ગ્રીષ્મનો પૂરો મિજાજ ગીતમાં વ્યક્ત થયો છે. અભિનંદન.
સરસ ગીત અભિનંદન
ઉનાળુ બપોરના સુંદર શબ્દ ચિત્રો
વાહ, સુંદર ગીત