એષા દાદાવાળા ~ પપ્પા તમે

પપ્પા તમે જલ્દી આવો

પપ્પા, તમે જલ્દી આવો
આગની જ્વાળાઓ વચ્ચેથી તમે મને બચાવો
પપ્પા, તમે જલ્દી આવો…

પહેલાં મોટો ભડકો થયો ને પછી સળગ્યો દાદર
દોસ્ત બધા સળગવા લાગ્યા, જાણે હોય કોઇ કાગળ
ડર મને પણ લાગ્યો’તો, મુઠ્ઠીઓ વાળી હું ભાગ્યો’તો
હાથ જોડી આગ પાસે, મારગ મેં પણ માંગ્યો’તો
હાથ લગાડી તમારો, આ અજવાળાને ભગાડો
પપ્પા, તમે જલ્દી આવો

ચીસો મેં પણ પાડી’તી, મદદ મેં પણ માંગી’તી
વાત તમારી માનવાની, માનતા મેં પણ રાખી’તી
કહ્યું ઇશ્વરને, પરેશાન કરીશ નહીં મમ્મીને કદી
થોડીવાર માટે પણ પ્લીઝ, તું મોકલ અહીં નદી
હું પણ હવે સળગી રહ્યો છું, પાણી મને લગાડો
પપ્પા, તમે જલ્દી આવો

ઝાળ બળી, શ્વાસ રૂંધાયા, આંખે અંધારા આવ્યા
મોટી અગનજ્વાળાઓ વચ્ચે તમે જ મને દેખાયા
ધીમે-ધીમે હું પણ હવે બળી જવાનો, પપ્પા
જ્યાંથી આવ્યો હતો ત્યાં જ ફરી જવાનો, પપ્પા
લાશોનાં ઢગલા વચ્ચેથી, મને બરાબર ઓળખજો
પપ્પા, હવે જલ્દી આવો….

~ એષા દાદાવાળા

6 thoughts on “એષા દાદાવાળા ~ પપ્પા તમે”

  1. ઉમેશ જોષી

    બન્ને રચના સાંપ્રત સમયની છે..
    મનને સ્પર્શી જાય છે.

  2. Praful Pandya

    રાજકોટ અગ્નિકાંડ વિષયક એષા દાદાવાળાની તથા કૃષ્ણ દવેની રચનાઓ ખૂબ જ હ્રદયસ્પર્શી ! બંને સર્જકમિત્રોને મારી અશ્રુભરી સલામ !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *