હે મૃદુ મક્કમ સજ્જન!
હે મૃદુ મક્કમ સજ્જન! એમાં નથી તમારો વાંક
લણનારા તો લણ્યા જ કરશે આ રોકડીયો પાક
પુનરાવર્તન દુર્ઘટનાનું અમથું ન કંઇ સંભવે !
તમે દયાળુ છો તેથી તો હ્રદય તમારૂ દ્રવે
ધારો છો એના કરતાં તો બમણાં એ ચાલ્લાક
હે મૃદુ મક્કમ સજ્જન! એમાં નથી તમારો વાંક
વ્યથા તમારા દિલની એ તો ઘોળીને પી જાશે
આ તો એવી ઉધ્ધઇ છે જે ઉભા વૃક્ષને ખાશે
જાણે ખુલ્લુ ખેતર એમાં નથી કોઈની ધાક
હે મૃદુ મક્કમ સજ્જન! એમાં નથી તમારો વાંક
~ કૃષ્ણ દવે