એ બહુ છાનેમાને આવે છે;
મોત નાજુક બહાને આવે છે.
ક્યાં મને એકલાને આવે છે?
સુખ અને દુઃખ બધાંને આવે છે.
કેમ ચાલ્યા ગયા જનારાઓ?
આવનારાઓ શાને આવે છે ?
ઓળખી લ્યો સમયના પગરવને;
એ જમાને જમાને આવે છે.
આમ તો આખી ડાયરી કોરી;
નામ તુજ પાને પાને આવે છે.
અશ્રુતોરણ ને સ્મિતની રંગોળી;
ઉત્સવો કેવા સ્થાને આવે છે !
બિમ્બ ચકલી જુએ છે પોતાનું;
પાંખ તો આયનાને આવે છે.
એના શ્વાસો બન્યા છે વેગીલા;
મહેક તારી હવાને આવે છે.
રણની શોભા મને જ આભારી
ગર્વ આ ઝાંઝવાને આવે છે !
કૂંપળે કૂંપળે વસંત આવે;
પાનખર પાને પાને આવે છે.
~ ભગવતીકુમાર શર્મા (31.5.1934 – 5.9.2018)
.

સાદર સ્મરણ વંદના ્
સાહિત્યના મહામાનવ ને સ્મૃતિ વંદન. સરસ ગઝલ.
ભગવતિકુમાર શર્માની બંને ગઝલો ઉત્તમ ! કવિની અનુભૂતિઓમા઼ સરકતાં જવાની મજા આવી !
‘કૂંપળે કૂંપળે વસંત આવે;
પાનખર પાને પાને આવે છે.’ સરસ રચનાઓ. સરયૂ પરીખ.