નાઝીર દેખૈયા ~ ખુશી દેજે જમાનાને  

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે;
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.

સદાયે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે;
ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે.

જુદાઈ જિંદગીની, કાં જીવનભરનું મિલન દેજે;
મને તું બે મહીંથી એકનું સાચું વચન દેજે.

જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
હું પરખું પાપને મારાં, મને એવાં નયન દેજે.

હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતાં;
કમળ બીડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.

સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.

ખુદાયા! આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
રહે જેનાથી અણનમ શીશ, મુજને એ નમન દેજે.

~  નાઝિર દેખૈયા 13.2.1921 – 16.3.1988

કવિ નાઝીર દેખૈયાનો જન્મદિવસ. એમના આત્માને વંદન સહ એમની ખૂબ જાણીતી રચના અહીં માણો.

6 thoughts on “નાઝીર દેખૈયા ~ ખુશી દેજે જમાનાને  ”

  1. કેટલીક ખૂબ જાણીતી ગઝલમાંની આ એક.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *